
અમેરિકી સેનેટે રશિયા અને તેના પેટ્રોલિયમ ઉત્પાદનોના મુખ્ય ખરીદદારો (જેમાં ચીન અને ભારતનો સમાવેશ થાય છે) સામે કાર્યવાહી કરવા માટેના બિલને બહુમતીથી મંજૂરી આપવામાં આવી છે. અમેરિકાનું કહેવું છે કે આવા વેપારથી યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને પ્રોત્સાહન મળી શકે છે. આ બિલનું નામ બદલીને ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026’ કરવામાં આવ્યું છે. સેનેટે આ બિલને 86-11 મતોથી મંજૂરી આપવામાં આવી છે. બિલ હેઠળ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયન તેલ અને ગેસના ટોચના પાંચ આયાતકાર દેશોના માલ પર 100 ટકા સુધીનો ટેરિફ લગાવવાની સત્તા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં ચીન, ભારત, અઝરબૈજાન, હંગેરી અને સ્લોવાકિયા રશિયા પાસેથી તેલ અને ગેસના ટોચના પાંચ ખરીદદારો તરીકે જણાવાયા છે.
રશિયા પર પ્રતિબંધો ઉપરાંત, આ બિલ 1996ના ઈરાન પ્રતિબંધ અધિનિયમને 2031 સુધી લંબાવશે. આ કાયદા હેઠળ ઈરાનના ઊર્જા ક્ષેત્રમાં રોકાણ કરતી કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ દ્વિપક્ષીય બિલ રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામ (જેમનું 11 જુલાઈના રોજ અવસાન થયું) અને ડેમોક્રેટ રિચાર્ડ બ્લુમેન્થલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
STORY | US Senate passes Russia sanctions bill that seeks 100% tariffs on India, four others
The US Senate voted overwhelmingly to approve a bill to punish Russia and key buyers of its petroleum products, such as China and India, claiming that such trade helps fuel the Ukraine… pic.twitter.com/k0IefCmnh3
— Press Trust of India (@PTI_News) August 8, 2026
કિવની મુલાકાત બાદ લિન્ડસે ગ્રેહામના અચાનક અવસાન પછી, બંને પક્ષોના નેતાઓએ આ બિલને પસાર કરાવવા માટે નવા ઉત્સાહ સાથે પ્રયાસો કર્યા હતા. તેમનો હેતુ યુક્રેનના સમર્થક તરીકે દિવંગત સેનેટરની વિરાસતને સન્માન આપવાનો હતો. ગ્રેહામના અવસાન બાદ તેની ખાલી થયેલી સીટ પર તેની બહેન ડાર્લિન ગ્રેહામની નિમણૂક કરવામાં આવી હતી. તેણે કહ્યું કે આ બિલ રશિયાની અર્થવ્યવસ્થાને જાળવી રાખતા મુખ્ય દેશોને એક સરળ પરંતુ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે મજબૂર કરે છે. અમેરિકા સાથે વેપાર કરવો કે સસ્તી રશિયન ઊર્જા ખરીદવી.
બિલમાં રશિયન નેતાઓ અને અધિકારીઓ સામે પણ પ્રતિબંધો લગાવવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, અબજોપતિ ઉદ્યોગપતિઓ અને નાણાકીય સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. મતદાન બાદ સેનેટર રિચર્ડ બ્લૂમેન્થલે પત્રકારોને જણાવ્યું કે લિન્ડસે ગ્રેહામને આ બિલ પસાર થવા પર ગર્વ થયો હોત. તેમણે કહ્યું કે આ કડક પ્રતિબંધો અને ટેરિફ એવા તમામ લોકોને રોકશે, જેઓ બહાદુર અને સ્વતંત્ર લોકો સામે ચાલી રહેલા ઘાતક અને આક્રમક યુદ્ધમાં સામેલ છે.
કેટલાક ડેમોક્રેટ્સે ચેતવણી આપી છે કે આ બિલ રાષ્ટ્રપતિને ટેરિફ લગાવવાની નવી અને વ્યાપક સત્તા આપશે. તેનું કહેવું છે કે આ સત્તાનો ઉપયોગ મનમાની રીતે એક હથિયાર તરીકે થઈ શકે છે. જેમ કે અગાઉ પણ કરવામાં આવ્યું છે. આ બિલ હવે મંજૂરી માટે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં જશે. હાઉસ 31 ઓગસ્ટે ફરીથી સત્રમાં બેસશે.
ડેમોક્રેટ કોંગ્રેસ સભ્યો ગ્રેગરી મીક્સ અને ડોન બેયરે આ કાયદાની ટીકા કરી છે. તેમણે કહ્યું કે આ બિલ રાષ્ટ્રપતિને ટેરિફ લગાવવાના એવા વ્યાપક નવા અધિકારો આપશે, જેનો ઉપયોગ તેઓ મનમાની રીતે કરી શકે છે. બંને નેતાઓએ જણાવ્યું કે યુક્રેનને સમર્થન આપવા અને રશિયાને તેના સતત ગેરકાયદેસર યુદ્ધ માટે જવાબદાર ઠેરવવાના સેનેટના પ્રયાસોનું તેઓ સ્વાગત કરે છે. જોકે, તેમના મતે આ બિલ આ લક્ષ્યો હાંસલ કરવામાં સફળ નહીં થઈ શકે. તેમણે દાવો કર્યો કે તેના બદલે આ બિલ રાષ્ટ્રપતિ ટ્રમ્પને રશિયાને જવાબદાર ઠેરવવાથી દૂર રહીને તેમના વિનાશક ટ્રેડ વોરમાં વધુ ટેરિફ લગાવવાની છૂટ આપી શકે છે. જેના કારણે અંતે અમેરિકાના સામાન્ય નાગરિકોને આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે.