બિલાવલ ભુટ્ટો ઝરદારી બની શકે છે પાકિસ્તાનના નવા વિદેશ મંત્રી, હિના રબ્બાની ખાર બનશે ડેપ્યુટી !
પાકિસ્તાનની (Pakistan) સંસદે ગયા અઠવાડિયે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફને અવિશ્વાસની દરખાસ્ત દ્વારા ઇમરાન ખાનને હટાવ્યા બાદ નવા વડા પ્રધાન તરીકે ચૂંટ્યા હતા.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના (Pakistan Peoples Party) અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીને (Bilawal Bhutto Zardari) વડાપ્રધાન શાહબાઝ શરીફની ગઠબંધન સરકારમાં વિદેશ મંત્રી બનાવવામાં આવી શકે છે. તેમજ હિના રબ્બાની ખારને (Hina Rabbani Khar) નાયબ વિદેશ મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. વાસ્તવમાં, ગઠબંધનની શરતો અનુસાર, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ અને પીપીપીમાં તમામ મુખ્ય મંત્રાલયો વહેંચવામાં આવશે. જ્યારે પીએમએલ-એનને નાણા, સંરક્ષણ અને આંતરિક બાબતો જેવા મહત્વના પોર્ટફોલિયો મળવાની અપેક્ષા છે, ઉપરાંત પીપીપીને વિદેશ અને માનવાધિકાર મંત્રાલયો પણ મળશે. આ મામલા સાથે જોડાયેલા લોકોએ સોમવારે આ જાણકારી આપી.
શાહબાઝ શરીફની કેબિનેટના સભ્યો સોમવારે રાત્રે શપથ લેવાના હતા, પરંતુ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના વફાદાર રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ શપથ લેવડાવવાનો ઇનકાર કર્યા બાદ સમારોહ મોકૂફ રાખવો પડ્યો હતો. હવે સેનેટ પ્રમુખ સાદિક સંજરાણી મંગળવાર અથવા બુધવારે કેબિનેટ સભ્યોને શપથ લેવડાવે તેવી અપેક્ષા છે.
બિલાવલ ભુટ્ટો અગાઉ વિદેશ મંત્રી બનવા તૈયાર ન હતા
જાણકારી અનુસાર બિલાવલ ભુટ્ટો પહેલા તો વિદેશ મંત્રીનું પદ સંભાળવા તૈયાર નહોતા, કારણ કે તેમનું માનવું હતું કે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ તરીકે તેમના કામ પર તેની અસર પડી શકે છે. પરંતુ પાર્ટીના લોકોએ બિલાવલને સમજાવ્યું કે તેમણે પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાની ખાર સાથે વિદેશ મંત્રીનું આ પદ લેવું જોઈએ. આ મામલા સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે, ફોર્મ્યુલા હેઠળ બિલાવલ ભુટ્ટો વિદેશ મંત્રાલયના તમામ મોટા કામો જોવા માટે વિદેશની મુલાકાત લેશે, જ્યારે હિના રબ્બાની ખાર વિદેશ મંત્રાલયના રોજિંદા કામને જોશે.
હિના રબ્બાની ખારે 2011-2013 દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી અને આ પદ સંભાળનાર સૌથી નાની અને પ્રથમ મહિલા હતી. હિના 33 વર્ષની હતી જ્યારે તે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીની સરકારમાં વિદેશ મંત્રી બની હતી અને સંજોગવશાત બિલાવલ ભુટ્ટો પણ આ જ ઉંમરે વિદેશ મંત્રી પદ સંભાળે તેવી સંભાવના છે. વિદેશ મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન હિના રબ્બાની ખારે પણ અનેક સંકટોનો સામનો કર્યો હતો.
પાકિસ્તાનના નવા વિદેશ મંત્રી પાસે અમેરિકા સાથેના વણસેલા સંબંધોને ફરીથી બનાવવાનું કામ મુખ્ય હશે. પાકિસ્તાનની સંસદે ગયા અઠવાડિયે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફને અવિશ્વાસની દરખાસ્ત દ્વારા ઇમરાન ખાનને હટાવ્યા બાદ નવા વડા પ્રધાન તરીકે ચૂંટ્યા હતા.
આ પણ વાંચોઃ
પાકિસ્તાનઃ કરોડો રૂપિયાની ગિફ્ટ વેચીને ઈમરાને કરી અયાશી ! હવે વિવાદ ઉભો થતા કહ્યું ‘મારી ગિફ્ટ, મારી મરજી’
આ પણ વાંચોઃ