બાંગ્લાદેશમાં વધતીજતી હિંસા વચ્ચે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે, વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી. જેમાં નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસ વચગાળાની સરકારના વડા છે. મોહમ્મદ યુનુસે 8 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ ભવન ‘બંગભવન’ ખાતે આયોજિત સમારોહમાં બાંગ્લાદેશના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં ભારતીય હાઈ કમિશનરે ભાગ લીધો હતો.
બાંગ્લાદેશના વિદ્યાર્થીઓએ ગયા મહિને સિવિલ સર્વિસિસમાં અનામતને લઈને વિરોધ કરવાનું શરૂ કર્યું હતું, જે હિંસામાં ફેરવાઈ ગયું હતું. જ્યારે શેખ હસીનાએ વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું અને દેશ છોડીને ભારત ભાગી ગયા ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ બની હતી, જેને નિયંત્રિત કરવા માટે વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા, યુનુસને બાંગ્લાદેશમાં સરકાર રચવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાનની સાથે 16 વધુ સહયોગીઓએ પણ શપથ લીધા છે. ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં વચગાળાની સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રચાર વિભાગના અધિકારીઓએ આ માહિતી આપી. હસીનાના રાજીનામાના ત્રણ દિવસ બાદ યુનુસે વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા.
પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને મોહમ્મદ યુનુસને શપથ લેવડાવ્યા હતા. યુનુસને મદદ કરવા માટે, 16 સભ્યોની સલાહકાર પરિષદની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થી ચળવળના બે અગ્રણી આયોજકો મોહમ્મદ નાહીદ ઇસ્લામ અને આસિફ મેહમૂદનો સમાવેશ થાય છે અને ચાર મહિલાઓ પણ આ કાઉન્સિલમાં જોડાઈ હતી. પ્રથમ વખત 26 વર્ષના બે યુવાનો કેબિનેટમાં સામેલ થયા છે.
યુનુસની મદદ માટે 16 સભ્યોની સલાહકાર પરિષદમાં નાહીદ ઈસ્લામ, આસિફ મહમૂદ, રિઝવાના હસન, ફરીદા અખ્તર, આદિલ-ઉર-રહેમાન ખાન, એએફએમ ખાલિદ હુસૈન, નૂરજહાં બેગમ, શરમીન મુર્શીદ, ફારૂક-એ-આઝમ, સાલેહુદ્દીન અહેમદ, નઝરુલ, હસન આરીફ, એમ સખાવત, સુપ્રદીપ ચકમા, વિધાન રંજન રોય અને તાહીદ હુસૈન, પ્રોફેસર આસિફનો સમાવેશ થાય છે.