અમેરિકાએ પોતાના સૈન્યને પરત લઈ ગયા બાદ અફઘાનિસ્તાનમાં (Afghanistan) હવે આતંકવાદીઓ પરત ફરી રહ્યા છે. તાલિબાનોના કબજા બાદ અફઘાનિસ્તાનમાં અલ-કાયદાનો (Al Qaeda) મુખ્ય નેતા અમીન-ઉલ-હક ( Amin-ul-Haq )પોતાના વતન નાંગરહાર પ્રાંતમાં પરત ફર્યો છે. અમીન-ઉલ-હક, અલ-કાયદાના માર્યા ગયેલા ઓસામા બિન લાદેનનો એક સમયે વિશ્વાસુ સાથીદાર રહ્યો હતો. ઓસામા બિન લાદેનને 2011માં અમેરિકાના સુરક્ષા દળોએ પાકિસ્તાનના એબટાબાદમાં મારી નાખ્યો હતો.
20 વર્ષ પછી પણ ખૂંખાર આતંકવાદી અને હથિયારોની હેરાફેરીમાં સંકળાયેલ અમીન-ઉલ-હકની લોકપ્રિયતા અફઘાનિસ્તાનમાં ઓછી થઈ નથી. તેની કાર નાંગરહાર પરત આવી, તેના સમર્થકોએ વાહનને ઘેરી લીધું અને તેનું સ્વાગત કર્યું અને તેની સાથે સેલ્ફી લેવાનું શરૂ કર્યું. અને તે કારની અંદરથી લોકોની શુભેચ્છાઓ સ્વીકારતો રહ્યો. અમીન ઉલ હકના કાફલામાં કેટલાક તાલિબાન આતંકવાદીઓ પણ સામેલ હોવાનુ વાયરલ થયેલા વીડિયોમાં જણાયુ હતુ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમીન-ઉલ-હક આતંકવાદી સંગઠન અલ કાયદામાં જોડાયા પહેલા 1980 ના દાયકામાં રશિયા સામે પણ લડ્યા હતા. 2001 માં, અમેરિકાએ વૈશ્વિક આતંકવાદીઓની યાદી બહાર પાડી હતી, જેમાં આ આતંકવાદી અમીનનું નામ પણ સામેલ હતું. ગુપ્તચર સંસ્થાનુ માનવુ છે કે અમીન-ઉલ-હકનું અફઘાનિસ્તાન પરત ફરવું અલ કાયદાને ફરીથી મજબૂત કરી શકે છે, જે સમગ્ર વિશ્વ માટે નવો ખતરો બની શકે છે.
તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં તેનો ધ્વજ લહેરાવી દીધો છે, અફઘાનિસ્તાનમાં જ્યાં જુઓ ત્યા તાલિબાનો જ દેખાય છે. તાલિબાનોના કબજા પછી, અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે તેમ સૌ કોઈ માની રહ્યુ છે. એ વાતમાં પણ કોઈ શંકા નથી કે તાલિબાનોના રાજમાં આતંકવાદી સંગઠનો ફરીથી એક થઈને તેમની ખતરનાક યોજનાઓ પૂરી પાડી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમીન-ઉલ-હક અફઘાનિસ્તાનમાં અલ-કાયદાનો મુખ્ય વ્યક્તિ છે. તે તોરા બોરામાં ઓસામા બિન લાદેનની સુરક્ષાનો હવાલો સંભાળતો હતો. 1980ના દાયકામાં જ્યારે અમીન-ઉલ-હક, અબ્દુલ્લા આઝમ સાથે મક્તાબા અખિદમતમાં કામ કરતો હતો ત્યારે ઓસામા બિન લાદેનની નજીક આવ્યો હતો અને તેનો વિશ્વાસુ સાથી બની ગયો હતો.