જર્મનીમાં હાલ જમણેરી વિચારધારાના વધતા પ્રભાવ અને ખાસ કરીને Alternative for Germany (AfD) પક્ષના વધતા પ્રભાવને લઈને ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. હિટલર યુગના વિચારોથી પ્રેરિત દેખાતી આ વિચારધારાનો ઉદય વૈશ્વિક સંઘર્ષ તરફ દોરી શકે છે, તેથી તે ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે સવાલો એ ઉભા થાય છે કે, શું જમણેરી વિચારધારાની શરણાર્થી વિરોધી અને મુસ્લિમ ઈમિગ્રન્ટ વિરોધી નીતિઓની અસર ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ દોરી શકે છે ? ત્યારે આ લેખમાં આ તમામ મુદ્દાઓ વિસ્તારથી જાણીશું.
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જમણેરી વિચારધારા ધરાવતી Nazi પાર્ટીએ 60 લાખથી વધુ યહુદીઓનો નરસંહાર કર્યો હતો, ત્યારે આવી જ એક પાર્ટી એટલે કે AfDનો જર્મનીમાં પ્રભાવ વધી રહ્યો છે અને આ વખતે તેના નિશાના પર 1945માં મિડલ ઈસ્ટને છોડીને જર્મનીમાં આવેલા શરણાર્થીઓ છે અને એમાં પણ ખાસ કરીને મુસ્લીમ શરણાર્થીઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
જર્મનીમાં મિડલ ઈસ્ટના શરણાર્થીઓ સામે હુમલા વધી ગયા છે, જેના કારણે લોકોમાં ડર વધી ગયો છે. આ અમે નથી કહી રહ્યા પણ Human Rights 2023નો રિપોર્ટ્સ જણાવે છે કે, જર્મનીમાં 2023માં ઇસ્લામી વિરોધી 686 ગુનાઓ નોંધાયા હતા, જ્યારે 2022માં 610 આવા કેસ નોંધાયા હતા.
યુરોપના દેશોમાં વધતો AfDનો પ્રભાવ પણ ચિંતાનો વિષય છે, કારણ કે આ પાર્ટી ઘણા દેશોમાં સ્ટેટ ઈલેક્શનમાં ચૂંટણી જીતી રહી છે. બીજા વિશ્વ યુદ્ધ પછી જમણેરી વિચારધારા ધરાવતી પાર્ટીએ પહેલીવાર જીત મેળવી છે. આ પહેલા કોઈ જમણેરી વિચારધારા ધરાવતી પાર્ટીએ જીત મેળવી હોય તો એ હતી હિટલરની Nazi પાર્ટી કે જે બીજા વિશ્વ યુદ્ધ સમયે શાનદાર જીત મેળવીને સત્તામાં આવી હતી. તેથી હવે ઘણા પોલિટિકલ એક્સપર્ટ આ AfD પાર્ટીની જીતને Nazi પાર્ટીની વિચારધારા ગણાવી રહ્યા છે. 2022ની ચૂંટણીમાં આ પાર્ટીનો નારો હતો કે હમારા દેશ પહલે, જે ક્યાંકને ક્યાંક હિટલરની પાર્ટી સાથે મેળ ખાતો હતો.
2008માં વૈશ્વિક નાણાકીય મંદીના કારણે સમગ્ર વિશ્વમાં આર્થિક અસ્થિરતા સર્જાઈ હતી. જર્મની જેવી મોટી અર્થવ્યવસ્થાઓને પણ અસર થઈ હતી. મંદીની અસરો EU નીતિઓ અને યુરો ઝોનની આર્થિક સમસ્યાઓએ જમણેરી અને રાષ્ટ્રવાદી પક્ષો માટે મોકાનું વાતાવરણ ઊભું કર્યું અને આમાં AfD પણ ઉભરી આવી. 2008ની વૈશ્વિક મંદી બાદ AFDનો ઉદય એ જર્મની અને યુરોપમાં રાજકીય અને આર્થિક પરિવર્તનનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે.
2008ની મંદી અને યુરો કટોકટીના પરિણામે જર્મનીમાં યુરોપિયન યુનિયનની નાણાકીય સહાયની ટીકા વધી હતી. યુરો ચલણના વિરોધમાં 2013માં AfDની સ્થાપના કરવામાં આવી હતી. પક્ષના મુખ્ય ઉદ્દેશ્યો યુરોપિયન યુનિયનમાંથી જર્મનીનું બહાર નીકળવું અને યુરો ચલણનો અંત હતો. પાર્ટીએ આર્થિક કટોકટી સાથે સંઘર્ષ કરી રહેલા જર્મન નાગરિકોમાં નાણાકીય આત્મનિર્ભરતાની જરૂરિયાતને માન્યતા આપી અને યુરોના નબળા દેશો સાથે જર્મનીના નાણાકીય સહયોગને કટોકટી તરીકે જોયો.
યુરોપમાં 2015-16માં લાખો શરણાર્થીઓ સીરિયા, અફઘાનિસ્તાન અને અન્ય યુદ્ધગ્રસ્ત દેશોમાંથી જર્મની તરફ વળ્યા હતા. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે શરણાર્થીઓને આવકારવાની નીતિ અપનાવી, જેને “વેલકમ કલ્ચર” કહેવાય છે. માનવતાવાદી દૃષ્ટિકોણથી આ નીતિ પ્રશંસનીય હોવા છતાં, તેણે જર્મનીમાં ઘણી સામાજિક અને સાંસ્કૃતિક ચિંતાઓને જન્મ આપ્યો. AfDએ આ નીતિનો સખત વિરોધ કર્યો અને તેને જર્મન સંસ્કૃતિ અને ઓળખ માટે જોખમ તરીકે રજૂ કરી. મુસ્લિમ શરણાર્થીઓ અને ઇસ્લામીકરણના જોખમ સામે વિરોધ કરવાનું શરૂ કર્યું.
જર્મનીમાં AfD પાર્ટીએ ખાસ કરીને 2015 શરણાર્થી કટોકટી દરમિયાન મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ અને ઇસ્લામીકરણ સામે અવાજ ઉઠાવ્યો હતો. આ પાર્ટીએ જર્મન ઓળખ અને યુરોપિયન સભ્યતાને જોખમમાં હોવાનું ગણાવીને વધતા મુસ્લિમ સમુદાયોનો વિરોધ કર્યો. લોકોના અસંતોષ અને ડરને તેનું હથિયાર બનાવીને પાર્ટીએ ચૂંટણીમાં ઝડપી સફળતા હાંસલ કરી.
2015 પછી AfDએ પોતાને જર્મનીના અગ્રણી જમણેરી પક્ષ તરીકે સ્થાપિત કરવાનું શરૂ કર્યું. 2017ની ફેડરલ ચૂંટણીઓમાં AfDએ 12.6% મત મેળવ્યા અને જર્મન સંસદમાં પ્રવેશ કર્યો. આ ચૂંટણીની સફળતા એ સમયની રાજકીય અને સામાજિક અસ્થિરતાને પ્રતિબિંબિત કરે છે, જેમાં યુરો કટોકટી અને શરણાર્થી મુદ્દાએ જર્મનીમાં વ્યાપક ચર્ચા જગાવી હતી. પક્ષે ઇમિગ્રેશન વિરોધી, ઇસ્લામવાદ વિરોધી અને જર્મન ઓળખ પર તેના વિચારો વધુ સ્પષ્ટ કર્યા.
AfD હવે જર્મનીમાં અગ્રણી જમણેરી પક્ષ બની ગઈ છે અને ચૂંટણી પરિણામોમાં બીજા નંબરનો સૌથી મોટો પક્ષ બની ગયો છે. AfDની વિચારધારા જે સમાજમાં રાષ્ટ્રવાદ, ઈમિગ્રેશન વિરોધી અને સાંસ્કૃતિક વિભાજનને પ્રોત્સાહન આપે છે, જે સંકેત આપે છે કે એક સમયની નાઝી વિચારધારા જર્મનીમાં ફરી ઉભરી રહી છે. તેના વિચારો લઘુમતીઓ પ્રત્યે નફરત, જાતિવાદ અને અસહિષ્ણુતાને પ્રોત્સાહન આપે છે. લોકો પણ જમણેરી વિચારધારા ધરાવતી પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે, કારણ કે આ પાર્ટીએ માત્ર 10 વર્ષમાં જર્નનીના 19 ટકા લોકોનો સપોર્ટ મેળવ્યો છે.
હિટલરના શાસનથી 1930 અને 1940ના દાયકામાં વિશ્વભરમાં વિનાશક યુદ્ધો અને લાખો લોકોના મૃત્યુ થયા. નાઝી પાર્ટીના વિચારોમાં વંશવાદ, સંઘર્ષ અને અન્ય દેશો પર હુમલો કરવાની માનસિકતાનો સમાવેશ થતો હતો. હિટલરના શાસને સમગ્ર વિશ્વને ભય અને વિનાશના માર્ગ પર ધકેલી દીધું. જો આજે AfD જેવી પાર્ટી સત્તામાં આવશે, તો તો બીજા વિશ્વ યુદ્ધમાં યહુદીઓની જે હાલત થઈ હતી તે માઈગ્રન્ટ્સ અને મુસ્લિમ શરણાર્થીઓ સાથે થઈ શકે છે.
કારણ કે, AfD એ હિટલરની પાર્ટીની જેમ જમણેરી વિચારધારા ધરાવે છે, હિટલરે પણ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 60 લાખ યહુદિયોના હાલબેહાલ કર્યા હતા. AfDના નેતાઓ Naziના સ્લોગન અને સિમ્બોલનો પણ ઉપયોગ કરી રહ્યા છે, જે એક સંકેત આપે છે કે આ પાર્ટી નાઝી પાર્ટીની વિચારધારા ધરાવે છે. જો AfD જેવી પાર્ટી સત્તામાં આવે, તો તે નાઝી વિચારધારા જેવું પગલું ભરી શકે છે. આવા વિચારોનું પુનરુત્થાન આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કરી શકે છે.
જ્યારે કોઈ રાષ્ટ્રમાં વધુ પડતી રાષ્ટ્રવાદી અને આક્રમક વિચારધારાઓ ઉભરી આવે છે, ત્યારે તે અન્ય દેશો સાથે સંઘર્ષમાં પરિણમી શકે છે. જો જર્મની જેવા શક્તિશાળી દેશમાં જમણેરી સરકાર રચાય તો તે સમગ્ર યુરોપમાં અને ખાસ કરીને પૂર્વ યુરોપ અને મધ્ય એશિયામાં સંઘર્ષની સ્થિતિ સર્જી શકે છે. જે વૈશ્વિક કટોકટી અને યુદ્ધ તરફ દોરી શકે છે.