Health Tips : વધતા પ્રદૂષણને કારણે બ્રેઈન સ્ટ્રોકનું વધ્યુ જોખમ, આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
પ્રદૂષણમાં ભળેલા ધૂળના નાના કણો (PM2.5) શ્વાસ સાથે શરીરમાં પ્રવેશ કરે છે. આ કણોને કારણે શ્વસન માર્ગ સંકુચિત થાય છે, જેથી પૂરતો ઓક્સિજન ન મળવાથી રક્તવાહિનીઓને અસર થાય છે.
Health Tips: દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોના આરોગ્ય (Health) પર ગંભીર અસર પડી રહી છે. ઘણા લોકો શ્વાસ લેવામાં તકલીફ અને સતત ઉધરસની ફરિયાદ કરી રહ્યા છે. આ મામલે નિષ્ણાંત ડોક્ટરોનું કહેવું છે કે આ બિમારીઓ સિવાય વાયુ પ્રદૂષણને (Air Pollution) કારણે બ્રેઈન સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા થવાની પણ શક્યતા છે. એટલા માટે લોકોને પ્રદૂષણથી બચવા માટે સલાહ આપવામાં આવી રહી છે.
પ્રદુષણ બ્રેઈન સ્ટ્રોકને આપે છે આમંત્રણ
AIIMSના ન્યુરોસાયન્સ સેન્ટરના હેડ પ્રોફેસર એમ.વી. શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર વધતુ પ્રદૂષણ પણ બ્રેઈન સ્ટ્રોકનું કારણ બની શકે છે. પ્રદૂષણમાં ભળેલા ધૂળના નાના કણો (PM2.5) શ્વાસ સાથે શરીરમાં પ્રવેશ કરે છે. આ કણોને કારણે શ્વસન માર્ગ સંકોચાઈ જાય છે અને શરીરમાં ઓક્સિજનની ઉણપ સર્જાય છે. તેમજ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળવાને કારણે લોહીની ધમનીઓ પ્રભાવિત થવા લાગે છે. જેનાથી મગજમાં વહેતુ લોહી બંધ થઈ જાય છે.
જે બ્રેઈન સ્ટ્રોકને આમંત્રણ આપે છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટ પ્રોબ્લેમ હોય તેઓને બ્રેઈન સ્ટ્રોક થવાની સંભાવના વધુ હોય છે. તેથી આ રોગોથી પીડિત લોકોએ આ સમયે ખાસ કાળજી લેવાની જરૂર છે.
ધૂમ્રપાન કરનારાઓ ચેતી જજો!
આ અંગે વરિષ્ઠ ચિકિત્સક ડો. આર. પી સિંહે જણાવ્યું કે જે લોકો ધૂમ્રપાન કરે છે તેમને બ્રેઈન સ્ટ્રોક થવાની સંભાવના વધુ છે. આવી સ્થિતિમાં વધતુ પ્રદૂષણ તેમના માટે વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે. આ સિવાય જે લોકો તણાવમાં રહે છે અથવા જેમની દિનચર્યા સારી નથી. તેમને પણ સ્ટ્રોક થવાનું જોખમ છે.
આંકડા શું કહે છે?
દર વર્ષે 1.8 મિલિયન ભારતીયો સ્ટ્રોકનો ભોગ બને છે. ડોક્ટર આર. પી સિંહના જણાવ્યા અનુસાર ભારતમાં સ્ટ્રોકથી પીડિત લગભગ 30 ટકા લોકો મૃત્યુ પામે છે અને 60થી 70 ટકા લોકો વિવિધ પ્રકારની વિકલાંગતાથી પીડાય છે. તેથી, સ્ટ્રોક જેવી સમસ્યામાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. તેના લક્ષણો દેખાય કે તરત જ તેની સારવાર કરવી ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો: Winter Health: શિયાળામાં તલ છે અતિ ગુણકારી, પરંતુ શું તમે જાણો છો તેના આ અદ્ભુત ફાયદા?
(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)