મેડિકલ સાયન્સમાં ક્રાંતિ, હવે જીવલેણ હાર્ટ અટેકના સંકેતો ઘણો સમય પહેલાં જ આપી દેશે આ નવું AI ટૂલ

યુનિવર્સિટી ઓફ હોંગકોંગના સંશોધકોએ 'કાર્ડિયોમિકસ્કોર' નામનું અદભુત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ બનાવ્યું છે. આ ટેકનોલોજી છાતીમાં દુખાવો કે શ્વાસ ફૂલવા જેવા લક્ષણો દેખાય તે પહેલાં જ હૃદયની ગંભીર બીમારીઓ ઓળખી લેશે.

મેડિકલ સાયન્સમાં ક્રાંતિ, હવે જીવલેણ હાર્ટ અટેકના સંકેતો ઘણો સમય પહેલાં જ આપી દેશે આ નવું AI ટૂલ
Image Credit source: AI
| Updated on: May 25, 2026 | 6:49 PM

આજના સમયમાં ખરાબ લાઇફસ્ટાઇલ અને માનસિક તણાવના કારણે હાર્ટ અટેક આવવાના કિસ્સાઓ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ઘણીવાર કોઈ પણ પ્રકારના લક્ષણો દેખાયા વિના જ વ્યક્તિ અચાનક હાર્ટ અટેકનો શિકાર બની જાય છે. પરંતુ હવે મેડિકલ સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સમન્વયથી એક એવી અદભુત ટેકનોલોજી વિકસાવવામાં આવી છે, જે ભવિષ્યમાં આવનારા આ જીવલેણ જોખમના સંકેત ઘણો સમય પહેલાં જ આપી દેશે.

યુનિવર્સિટી ઓફ હોંગકોંગ (HKUMed) ના સંશોધકોએ ‘કાર્ડિયોમિકસ્કોર’ (Cardiomicscore) નામનું એક ખાસ એઆઈ ટૂલ તૈયાર કર્યું છે. આ એડવાન્સ સિસ્ટમ માત્ર એક સામાન્ય બ્લડ ટેસ્ટના માધ્યમથી શરીરમાં છુપાયેલા હૃદયરોગના જોખમોને ઓળખી કાઢશે. આ સંશોધનના પરિણામો પ્રખ્યાત સાયન્સ જર્નલ ‘નેચર કોમ્યુનિકેશન્સ’ માં પ્રકાશિત કરવામાં આવ્યા છે.

આવો જાણીએ આ નવું AI ટૂલ કેવી રીતે કામ કરે છે અને તે કઈ બીમારીઓ પકડી શકે છે:

  • લક્ષણો દેખાય તે પહેલાં જ મળી જશે ચેતવણી

હોંગકોંગના ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, કાર્ડિયોમિકસ્કોર એક અત્યંત આધુનિક ટેસ્ટ છે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિને હૃદયની તકલીફ હોય ત્યારે તેને છાતીમાં દુખાવો થવો અથવા શ્વાસ ફૂલવા જેવા લક્ષણો દેખાય છે. પરંતુ આ એઆઈ ટૂલ દર્દીના શરીરમાં આવા કોઈ પણ બાહ્ય લક્ષણો શરૂ થાય તેના પરથી કેટલાક સમય પહેલા આવનારા કાર્ડિયોવેસ્ક્યુલર જોખમની સચોટ આગાહી કરી શકે છે. આ સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે શરીરમાં થતા મોલેક્યુલર (આણ્વિક) ફેરફારોને શરૂઆતથી જ પકડી પાડે છે.

હૃદયને લગતી આ 6 મોટી બીમારીઓનો ખુલાસો કરશે

આ આધુનિક ટૂલ માત્ર હાર્ટ અટેક જ નહીં, પરંતુ હૃદય અને નસો સાથે જોડાયેલી 6 મોટી જીવલેણ બીમારીઓનો અગાઉથી અંદાજ લગાવી શકે છે:

  • કોરોનરી આર્ટરી ડિસીઝ (નસોમાં બ્લોકેજ)
  • બ્રેન સ્ટ્રોક (મગજની નસ ફાટવી કે લોહી જામી જવું)
  • હાર્ટ ફેલિયર (હૃદય કામ કરતું બંધ થવું)
  • એટ્રીયલ ફિબ્રિલેશન (હૃદયના ધબકારા અનિયમિત થવા)
  • પેરિફેરલ આર્ટરી ડિસીઝ
  • વેનસ થ્રોમ્બોએમ્બોલિઝમ

કેવી રીતે કામ કરે છે આ કાર્ડિયોમિકસ્કોર?

આ રિસર્ચ ટીમે ડીપ લર્નિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જીનોમિક્સ અને મેટાબોલોમિક્સ સહિતના ડેટાને એકસાથે જોડ્યા છે. આ અભ્યાસ માટે UK બાયોબેંકના વસ્તીના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં બ્લડ સેમ્પલમાંથી લેવાયેલા 2,920 પ્રોટીન અને 168 મેટાબોલાઇટ્સનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ મોલેક્યુલર સિગ્નલો માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિ, મેટાબોલિઝમ અને નસોના સ્વાસ્થ્યમાં થતા નાનામાં નાના બદલાવને પણ સરળતાથી પકડી પાડે છે.

આ સંશોધન પાછળનો મુખ્ય હેતુ શું છે?

યુનિવર્સિટીના ફાર્માકોલોજી વિભાગના એસોસિએટ પ્રોફેસર ઝાંગ કિંગપેંગે જણાવ્યું હતું કે, આ એઆઈ ટૂલ બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે ડૉક્ટરો અને દર્દીઓ સમયસર જોખમને ઓળખી શકે. અત્યારે જે મેડિકલ હેલ્થ ચેકઅપ થાય છે તેમાં મુખ્યત્વે ઉંમર, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને સ્મોકિંગ જેવી બાબતોના આધારે હૃદયના જોખમની ગણતરી થાય છે. પરંતુ આ ટૂલ લોહીના કણોના આધારે એટલી વહેલી ચેતવણી આપશે કે માણસ પોતાની લાઈફસ્ટાઈલ, ખાનપાન અને કસરતની આદતો બદલીને ભવિષ્યમાં થનારી આ જીવલેણ બીમારીને આવતા પહેલાં જ રોકી શકશે.

અરે આ શું…? પનીર ખાવાથી પણ કોઈ બીમાર પડી શકે છે ! ચાલો જાણીએ આ નવાઈ પમાડે તેવી વાતનું સત્ય શું

Follow Us