
ભારતને તેની પ્રથમ ડેન્ગ્યુ વિરોધી રસી મળી છે. તાકેડા બાયોફાર્માસ્યુટિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે સોમવારે જાહેરાત કરી હતી કે ડેન્ગ્યુને રોકવા માટે બનાવેલી રસીને, ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) તરફથી બજારમાં વિતરણ કરવા માટેની મંજૂરી મળી ગઈ છે.
QDENGA એ ભારતમાં DCGI દ્વારા મંજૂર કરાયેલ પ્રથમ ડેન્ગ્યુ વિરોધી રસી છે. આ રસી 4 વર્ષથી લઈને 60 વર્ષની વ્યક્તિઓમાં ડેન્ગ્યુને અટકાવવા માટે કારગત છે. મુખ્યત્વે જાપાની બાયોફાર્માસ્યુટિકલ કંપની તાકેડાની ભારતીય શાખાએ નોંધ્યું છે કે, કોઈ વ્યક્તિને અગાઉ ડેન્ગ્યુ ચેપ લાગ્યો હોય કે નહીં તે ધ્યાનમાં લીધા વિના રસી આપી શકાય છે. વધુમાં, આ રસીકરણ પહેલા કોઈ પણ પ્રકારનું પરીક્ષણ કરાવવાની જરૂર નથી.
ટાકેડા ખાતે ઇન્ટરકોન્ટિનેન્ટલ માર્કેટ્સના વડા મહેન્દ્ર નાયકે જણાવ્યું હતું કે, “2022 માં તેની શરૂઆત થઈ ત્યારથી, QDENGA ને વિશ્વના 43 દેશોમાં મંજૂરી મળી છે. જેમાં વિશ્વભરમાં 32 મિલિયનથી વધુ ડોઝનું વિતરણ કરવામાં આવ્યું છે. આ મંજૂરી ભારતમાં ડેન્ગ્યુ નિવારણને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.”
તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા સાત વર્ષના ડેટા સૂચવે છે કે QDENGA સતત ડેન્ગ્યુ ચેપ અને હોસ્પિટલમાં દાખલ થવા સામે રક્ષણ આપે છે. આ રક્ષણ ડેન્ગ્યુ વાયરસના ચારેય સેરોટાઇપ્સ સુધી વિસ્તરે છે, જે સમુદાયો અને આરોગ્યસંભાળ પ્રણાલીઓ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ દર્શાવે છે.
કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં મંજૂરી ટેકેડાના વૈશ્વિક ક્લિનિકલ વિકાસ કાર્યક્રમના પરિણામો પર આધારિત છે. આ કાર્યક્રમ હેઠળ, ડેન્ગ્યુના વ્યાપના વિવિધ સ્તરો ધરાવતા વિસ્તારોમાં 28,000 થી વધુ સહભાગીઓ સાથે, એકથી ત્રણ તબક્કામાં 19 ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા હતા.
કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે, રસી ભારતીય વસ્તી પર હાથ ધરવામાં આવેલા ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ (DEN-302) ના ડેટા દ્વારા સમર્થિત છે. આ ટ્રાયલમાં 4 થી 60 વર્ષની વયના વ્યક્તિઓમાં રસીની સલામતી અને રોગપ્રતિકારક શક્તિ (રોગપ્રતિકારક પ્રતિભાવ ઉત્પન્ન કરવાની તેની ક્ષમતા)નું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ રસી 0.5 મિલીના બે ડોઝમાં ત્વચાની નીચે આપવામાં આવે છે, પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેતા પૂર્વે ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય થવો જરૂરી છે.
કંપનીએ જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ ડેંગ્યુ-સ્થાનિક વિસ્તારોમાં ઉપયોગ માટે QDENGA રસીની ભલામણ કરી છે. વધુમાં, WHO એ ઉચ્ચ ભારણવાળા વિસ્તારોમાં લક્ષિત જાહેર રસીકરણ કાર્યક્રમો દ્વારા રસી આપવાનું સલાહ આપી છે, જે રસીકરણ પહેલા સ્ક્રીનીંગની જરૂરિયાતને દૂર કરે છે.
ડેન્ગ્યુ એ જીવલેણની સાથે ખતરનાક મચ્છરજન્ય વાયરલ રોગ છે અને ખાસ કરીને વિકાસશીલ દેશોમાં એક મુખ્ય જાહેર આરોગ્ય પડકાર છે. તે 125 થી વધુ દેશોમાં ફેલાયેલ છે. કંપનીના જણાવ્યા અનુસાર, કુલ વૈશ્વિક ડેન્ગ્યુ કેસોમાં ભારતનો હિસ્સો લગભગ એક તૃતીયાંશ છે. કંપનીએ જણાવ્યું હતું કે રોગના મોટા પાયે ફેલાવા, ઝડપી શહેરીકરણ અને હવામાન-સંબંધિત પરિબળો જે મચ્છરોની વસ્તીમાં વધારો કરે છે તેના કારણે દર વર્ષે લાખો ભારતીયો જોખમમાં છે.