
આજના સમયમાં હેર કલર કરવો એ એક સામાન્ય ફેશન બની ગઈ છે, પરંતુ હેર ડાઈની તેજ ગંધ અને તેમાં વપરાતા કેમિકલ્સ હંમેશા શંકા પેદા કરે છે. ઘણા લોકો એવું માને છે કે આ કેમિકલ્સ ખોપરી (સ્કેલ્પ) દ્વારા લોહીમાં ભળીને લિવરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આ દાવાઓમાં કેટલી સચ્ચાઈ છે તે અંગે હેપેટોલોજિસ્ટ્સ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશ્યન્સે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
સામાન્ય રીતે કોસ્મેટિક હેર ડાઈનો ઉપયોગ કરવાથી લિવરની ગંભીર બીમારી થવાના કોઈ નક્કર ક્લિનિકલ પુરાવા મળ્યા નથી. તેનું કારણ એ છે કે બજારમાં મળતી ડાઈ રેગ્યુલેટેડ હોય છે અને સ્કેલ્પ દ્વારા શરીરમાં તેનું શોષણ ખૂબ જ ઓછી માત્રામાં થાય છે. એટલે કે, આ કેમિકલ્સ એટલી મોટી માત્રામાં બ્લડસ્ટ્રીમ સુધી પહોંચતા નથી કે લિવરને સીધું નુકસાન કરી શકે.
જોકે, જોખમ સાવ શૂન્ય પણ નથી. કેટલાક કિસ્સાઓમાં લિવર ડેમેજની ફરિયાદો આવી છે, ખાસ કરીને જ્યારે ડાઈમાં ‘પેરા-ફિનાઈલીન ડાયમીન’ (PPD) જેવું કેમિકલ હોય. જો સ્કેલ્પ પર કોઈ ઘા હોય અથવા એપ્લિકેશન દરમિયાન તેના ધુમાડા શ્વાસમાં વધુ જાય, તો PPD અને એમોનિયા જેવા તત્વો નુકસાન કરી શકે છે. જે લોકો લાંબા સમયથી લિવરની બીમારી અથવા ફેટી લિવરની સમસ્યાથી પીડાતા હોય તેમને વધુ સાવચેત રહેવાની જરૂર છે.
એક્સપર્ટ્સનું માનવું છે કે હેર ડાઈ કરતા પણ વધુ ખતરનાક સ્મોકિંગ છે. જો કોઈ વ્યક્તિ સ્મોકિંગ કરતી હોય અને તેને ફેટી લિવરની સમસ્યા હોય, તો તેના શરીરમાં ટોક્સિક અસરો વધી જાય છે. લિવરના સ્વાસ્થ્ય માટે હેર ડાઈ છોડવા કરતા સ્મોકિંગ છોડવું વધુ અનિવાર્ય છે.
Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.