
જો તમે આયુષ્માન ભારત યોજના હેઠળ કેશલેસ સારવાર કરાવવા જઈ રહ્યા છો, તો હોસ્પિટલ પહોંચતા પહેલાં તેનું વર્તમાન એમ્પેનલમેન્ટ સ્ટેટસ (નોંધણી સ્થિતિ) ચોક્કસથી ચેક કરી લો. સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) ના નિયમોના ઉલ્લંઘન અને કથિત ગેરરીતિઓના કિસ્સાઓમાં 2,359 હોસ્પિટલોને માન્યતા પ્રાપ્ત યાદીમાંથી બહાર (ડી-એમ્પેનલ) કરી દીધી છે, જ્યારે 1,200 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ હોસ્પિટલોમાં સસ્પેન્શન કે ડી-એમ્પેનલમેન્ટના સમયગાળા દરમિયાન PM-JAY હેઠળ કેશલેસ સારવાર નહીં મળે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ 7 ઓગસ્ટના રોજ લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. સરકારના જણાવ્યા મુજબ, યોજના હેઠળ નિયમોનું ઉલ્લંઘન, બોગસ ક્લેમ અને મંજૂરી વગર બિલિંગ જેવા કેસોમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આવા કિસ્સાઓમાં 29 એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે અને હોસ્પિટલો પર કુલ રૂ. 328.49 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે PM-JAY માં છેતરપિંડી અને અનિયમિતતાઓને રોકવા માટે ઝીરો-ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. નિયમોનું ઉલ્લંઘન માલૂમ પડવા પર હોસ્પિટલો સામે આર્થિક દંડની સાથે સસ્પેન્શન, ડી-એમ્પેનલમેન્ટ અને જરૂર પડ્યે ગુનાહિત કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) એ PM-JAY માં શંકાસ્પદ દાવાઓની ઓળખ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ (ML) આધારીત સિસ્ટમનો ઉપયોગ વધાર્યો છે. નેશનલ એન્ટી-ફ્રોડ યુનિટ શંકાસ્પદ પેટર્ન સામે આવતા જ ઓટોમેટેડ ટ્રિગર જનરેટ કરે છે. આમાં ડુપ્લિકેટ ક્લેમ, લાભાર્થીની ઓળખનો દુરુપયોગ, શંકાસ્પદ બિલિંગ અને બિનજરૂરી મેડિકલ પ્રોસિજર જેવા કિસ્સાઓ સામેલ છે.
સરકારના જણાવ્યા મુજબ, ક્લેમ જમા થયાના 24 કલાકની અંદર જ આવા એલર્ટ જનરેટ થઈ જાય છે. આનાથી હોસ્પિટલને નાણાં ચૂકવવામાં આવે તે પહેલાં જ શંકાસ્પદ દાવાઓની તપાસ શક્ય બની જાય છે.
સરકારે જણાવ્યું કે 31 જુલાઈ 2026 સુધીમાં ટેકનોલોજી આધારીત એન્ટી-ફ્રોડ સિસ્ટમની મદદથી રૂ. 676.14 કરોડનું સંભવિત નુકસાન રોકવામાં આવ્યું છે. એટલે કે શંકાસ્પદ ક્લેમ સમયસર ઓળખીને સરકારી ફંડનો દુરુપયોગ અટકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
એક તરફ સરકાર યોજનામાં થતી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે, તો બીજી તરફ PM-JAY નો વ્યાપ પણ સતત વધી રહ્યો છે. નાણાકીય વર્ષ 2025-26 માં 3.75 કરોડ નવા આયુષ્માન કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા, જ્યારે 2.74 કરોડ હોસ્પિટલ એડમિશનને મંજૂરી આપવામાં આવી. કેન્દ્ર સરકારે PM-JAY ના ખર્ચ માટે રાજ્યોની હેલ્થ એજન્સીઓને રૂ. 8,438.27 કરોડ ફાળવ્યા છે.
8 ઓગસ્ટ 2026 સુધીમાં નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) ના પોર્ટલ પર કુલ 38,437 હોસ્પિટલો PM-JAY સાથે જોડાયેલી હતી. જેમાં 20,363 સરકારી અને 18,074 ખાનગી હોસ્પિટલો સામેલ છે.
દેશના રાજ્યોમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 30.6 લાખ માન્ય હોસ્પિટલ એડમિશન નોંધાયા છે. આ માટે રાજ્યને કેન્દ્ર તરફથી રૂ. 1,047.53 કરોડનું ફંડ મળ્યું હતું. આ દર્શાવે છે કે PM-JAY હેઠળ યુપીમાં આ યોજનાનો ઉપયોગ મોટા પાયે થઈ રહ્યો છે.
આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પાત્રતા ધરાવતા પરિવારોને યાદીબદ્ધ હોસ્પિટલોમાં દર વર્ષે રૂ. 5 લાખ સુધીનું કેશલેસ હેલ્થ કવર મળે છે. આ યોજનામાં 1,900 થી વધુ મેડિકલ પ્રોસિજર સામેલ છે. આ ઉપરાંત રાજ્યોને પોતાના લાભાર્થીઓ માટે વધારાની પ્રોસિજર ઉમેરવાની છૂટ પણ આપવામાં આવી છે.