
ગુજરાતમાં દિવસે દિવસે ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અમદાવાદમાંથી વધુ એક હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. નિકોલ વિસ્તારમાં એક જ એપાર્ટમેન્ટમાં રહેતા યુવકે અન્ય યુવકની સરાજાહેર હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો શનિવારે બપોરના સમયે ભાવેશ શ્રીમાળી નામનો યુવક ઘરેથી નીકળ્યો હતો. ત્યારે હર્ષ પરમાર નામના યુવકે ભાવેશ સાથે સરાજાહેર ઝઘડો અને મારમારી કરી બાઈકની ચાવીથી ભાવેશની કરપીણ હત્યા કરી હતી. મારામારી બાદ સ્થાનિકો લોકોએ યુવકના પિતાને જાણ કરી હતી. તેમણે લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં યુવકને મૃત જાહેર કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જો કે આ સમગ્ર ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા છે.
પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે ભાવેશ શ્રીમાળી નિકોલમાં તાપી એપાર્ટમેન્ટ ખાતે રહેતો હતો. તેનાં જ ફ્લેટમાં રહેતી યુવતીને એકતરફી પ્રેમ કરતો હતો. પરંતુ આ યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થઈ ગઈ હતી. યુવતીની સગાઈ થઈ ગઈ હોવા છતાં ભાવેશ તે યુવતીને હેરાન કરતો હતો. શનિવારે યુવતી તેનાં મિત્ર હર્ષ પરમાર સાથે જઈ રહી હતી, ત્યારે ભાવેશ શ્રીમાળીને બન્નેને રસ્તા વચ્ચે રોકી ઝઘડો કર્યો હતો, જે દરમિયાન બન્ને વચ્ચે મારામારી થતા આ બનાવ બન્યો હતો. જોકે પોલીસે આ મામલે યુવતીનું નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે. જેથી એક તરફી પ્રેમમાં હત્યા થઈ હોવાની આશંકા છે જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે મૃતક ભાવેશ શ્રીમાળી પિરામલ ફાયનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો, જ્યારે હર્ષ પરમાર ટીસીએસ કંપનીમાં સિક્યુરીટીમાં નોકરી કરે છે, તેવામાં આ હત્યા પાછળનું ખરુ કારણ શું છે તે જાણવા માટે પોલીસે ઘટના સમયે હાજર યુવતીની પુછપરછ હાથ ધરી છે, જેની પુછપરછમાં આ બનાવ પાછળની સાચી હકિકત સામે આવશે. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ છે.ત્યારે તપાસમાં કેવા ખુલાસો થશે.