વર્ષ 2029માં ગુજરાતમાં યોજાશે ‘વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ’, 70થી વધુ દેશોના 10,000 ખેલાડીઓ લેશે ભાગ

ગુજરાતને 2029માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ (WPFG)ની આયોજન કરવાની તક મળી છે. 1985થી દર બે વર્ષે થતી આ ગેમ્સમાં ભારત પહેલો દક્ષિણ એશિયાઈ દેશ બનશે જે આ રમતોનું આયોજન કરશે.

વર્ષ 2029માં ગુજરાતમાં યોજાશે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ, 70થી વધુ દેશોના 10,000 ખેલાડીઓ લેશે ભાગ
| Updated on: Jun 27, 2025 | 7:33 PM

ગુજરાત રાજ્યના અમદાવાદ, ગાંધીનગર અને એકતા નગર (કેવડિયા) ખાતે ‘વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ’ અંતર્ગત રમતગમત સ્પર્ધાઓ યોજાશે. આ ગેમ્સમાં 70થી વધુ દેશોના 10,000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આમાં પોલીસ, ફાયર, કસ્ટમ્સ સહીતની અન્ય સર્વિસીસના ખેલાડીઓ પણ સામેલ રહેશે.

25 જૂન, 2025ના રોજ અલાબામા (બર્મિંગહામ) ખાતે California Police Athletic Federation (CPAF) સમક્ષ અંતિમ પ્રેઝન્ટેશન આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ‘CPAF’એ આ ગેમ્સનું ગવર્નિંગ બોડી છે. આ સાથે જ ભારત હવે કેનેડા, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ્સ, ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા યજમાન દેશોની યાદીમાં જોડાઈ ગયું છે.

હર્ષ સંધવીએ ટ્વીટ થકી જણાવ્યું

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડીયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરી અને જણાવ્યું કે, વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સને ગુજરાત હોસ્ટ કરશે. વર્ષ 2029ની વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ગુજરાતમાં યોજાવાની છે.

તેમણે વધુમાં એ પણ કહ્યું કે, ભારતે કરેલી બિડ સફળ થતા ગુજરાતમાં આનું આયોજન કરવામાં આવશે. આમાં અમદાવાદ, ગાંધીનગર અને એકતા નગર (કેવડિયા)માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ યોજાવાની છે.


ગુજરાત તરફથી આ બિડ માટે 15 મહિનાની ટેક્નિકલ અને એડમિનિસ્ટ્રેટિવ પ્રક્રિયા કરવામાં આવી હતી. અંતિમ પ્રેઝન્ટેશન દરમિયાન ગુજરાત બિડ ટીમમાં અશ્વિનીકુમાર (પ્રિન્સિપલ સચિવ – રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ) અને એમ. થન્નારાસન (પ્રિન્સિપલ સચિવ – શહેરી વિકાસ અને આવાસ) સામેલ રહ્યા હતા. ગુજરાતે 2022માં સફળતાપૂર્વક 36મા નેશનલ ગેમ્સનું આયોજન કર્યું હતું.

2029ની WPFG આ સિદ્ધિને વધુ મજબૂત બનાવશે અને રાજ્યને મલ્ટી-સ્પોર્ટ હાઇ-પરફોર્મન્સ સ્થળ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે. રાજ્યમાં હાલમાં જ 15થી વધુ રમતોના સ્થળો કાર્યરત છે અને આ ગેમ્સ માટે વૈશ્વિક ધોરણ મુજબ ઓવરલે અને ઓપરેશનલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો