બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેનું મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વાવ વિધાનસભા બેઠક પર 3.10 લાખ મતદારો મતદાનનો ઉપયોગ કરશે. વાવની પેટાચૂંટણીના જંગમાં ત્રિપાંખીયો મુકાબલો જામ્યો છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે કાંટાની ટક્કર છે. બંન્ને મુખ્ય પક્ષ સહિત 10 જેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.
ગુજરાતના બનાસકાંઠાના વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી પણ આજે બુધવારે યોજાઈ રહી છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આગામી 23 નવેમ્બરના રોજ જાહેર કરાશે. આ બેઠક અંકે કરવા માટે ભાજપ મરણીયુ બન્યું છે. જ્યારે કોંગ્રેસ આ બેઠક જાળવી રાખવા માટે પ્રયાસ કરી રહી છે.
વાવ પેટાચૂંટણીના મતદાનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ મતદાન મથકો પર BSF અને પેરામિલિટરીની ટુકડી ગોઠવાઈ છે. જ્યારે પોલીસના અલગ અલગ રુટ પર પેટ્રોલિંગ પણ કરશે. દર 4 થી 5 ગામડા વચ્ચે એક પોલીસ મોબાઈલ રુટ રાખવામાં આવ્યો છે. 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં DySP, PI અને PSI કક્ષાના અધિકારીઓ પણ હાજર રહેશે.બોર્ડર પર 7 ચેકપોસ્ટ અને તમામ બોર્ડર પર પેરામિલિટરીની 7 ટીમ તૈનાત કરવામાં આવી છે.
વાવની પેટા ચૂંટણીને લઈને વાવની કોલેજથી EVM ડિસ્પેચ કરાયા હતા. મળતી માહિતી અનુસાર વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી બિયોક ખાતે 8 વાગે મતદાન કરશે. જ્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અબાસણા ખાતે 8 વાગે મતદાન કરશે.
આ ઉપરાંત લાલજી પટેલ અને પીરાજી ઠાકોરે પણ ફોર્મં ભર્યું છે. વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં વાવ બેઠક પર રાજપૂત અને ઠાકોરનો વચ્ચે જંગ જામશે. 2022મા ગેનીબેન ઠાકોર સામે સ્વરૂપજી ઠાકોરની હાર થઇ હતી. પરંતુ ફરી એક વાર ભાજપે સ્વરુપજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે.
વાવ વિધાનસભા ચૂંટણીની છેલ્લી બે ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો 2017 અને 2022ની ચૂંટણીમાં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર જીત મેળવી હતી. 2017માં ગેનીબેન સામે ભાજપમાંથી શંકર ચૌધરી ચૂંટણી લડ્યા હતા. જેમાં ગેનીબેન ઠાકોર જીત્યા હતા. 2017ની ચૂંટણીમાં પણ ગેનીબેન વિજય થયો હતો. 2022માં પણ કોંગ્રેસે ગેનીબેનને રિપિટ કર્યા હતા. જોકે ભાજપે ઉમેદવાર બદલીને સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી હતી.
Published On - 7:45 am, Wed, 13 November 24