
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સનો મહેસાણા જિલ્લાથી પ્રારંભ કરાવતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ’ના ધ્યેય આવી કોન્ફરન્સને સુપેરે પાર પાડશે. વડાપ્રધાને વાઇબ્રન્ટ સમિટથી બનાવેલું ‘ગ્લોબલ ગેટ વે ટુ ધ ફ્યુચર’ ગુજરાત 68.9 બિલિયન ડોલર એફડીઆઈ તથા ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકાના યોગદાન સાથે દેશમાં અગ્રેસર છે.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વાઇબ્રન્ટ સમિટ 2024માં ઉત્તર ગુજરાત માટે થયેલા એમઓયુના 72 ટકા પ્રોજેક્ટ કમિશન્ડ થઈ ગયા છે. વાઇબ્રન્ટ સમિટ થકી રાજ્યના એમએસએમઈને વેગ મળ્યો છે. 27 લાખ એમએસએમઈ કાર્યરત થયા છે. સીધો સૂર્યપ્રકાશ ધરાવતી ઉત્તર ગુજરાતની ભૂમિના સોલાર એનર્જી પોટેન્શિયલને ચારણકા સોલર પાર્ક થકી વડાપ્રધાને વિશ્વ સમક્ષ ઉજાગર કર્યું છે. માંડલ બેચરાજી SIRથી ગુજરાત ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીનું હબ બન્યું છે.
આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ગુજરાત આંન્ત્રપ્રિન્યોરની ભૂમિ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રીકાળમાં આગવા વિઝન થકી શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે સમગ્ર દેશ માટે અનુકરણીય બની છે. આ વિરલ નેતૃત્વ આજે સમગ્ર વિશ્વને નવી દિશા અને માર્ગદર્શન આપી રહ્યું છે.
વૈષ્ણવે ગુજરાતના રેલવે નેટવર્કની વિગતો આપતાં જણાવ્યું કે, છેલ્લાં માત્ર 11 વર્ષમાં ગુજરાતમાં 2764 કિમીના નવા રેલવે ટ્રેક બન્યા છે, જે ડેન્માર્કના કુલ રેલવે નેટવર્કથી પણ વધારે છે. આ સમયગાળામાં રાજ્યમાં રૂ. 1.46 લાખ કરોડનું મૂડીરોકાણ આવ્યું છે અને ઑગસ્ટ, 2027 સુધીમાં બુલેટ ટ્રેન શરૂ કરવાનું લક્ષ્ય છે.
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવેલી. આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો વ્યાપ સતત વધતો ગયો છે. તેની 10મી આવૃતિએ અનેક નવા પરિમાણો પ્રસ્થાપિત કર્યા છે. આંકડાકીય વિગતો જોઈએ તો વર્ષ 2003માં જે ઉત્પાદન હતું એ આજે 22 લાખ કરોડ પહોંચ્યું છે. માથાદીઠ આવક પણ વધી છે. મેન્યુફેક્ચરીંગ ઉત્પાદન 1.50 લાખ કરોડથી વધીને 22 લાખ કરોડ પહોંચ્યું છે. નાના ઉદ્યોગકારોની સંખ્યા પણ 1.40 લાખથી વધીને 27 લાખ સુધી પહોંચી છે.
LIVE: ઉત્તર ગુજરાત માટેની વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અને રિજિયોજનલ એક્ઝિબિશનનું દેશવિદેશના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન. સ્થળ: ખેરવા, મહેસાણા #VGRC_NorthGujarat #VibrantGujarat #VikasSaptah2025 https://t.co/pguzUE8QzS
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 9, 2025
ભારતના વિકાસમાં ગુજરાતના યોગદાનનો ઉલ્લેખ કરતા બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2 ટકા છે તથા દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 41 ટકા છે. ગુજરાતે જે સિદ્ધિ હાંસલ કરી છે તેમાં ઔદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકારની સિંગલ વિન્ડો સિસ્ટમ અને હકારાત્મક પોલિસીઓનો મહત્તમ ફાળો છે.
Published On - 6:20 pm, Thu, 9 October 25