વલસાડ (Valsad) જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે. કપરાડામાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. જંગલ અને ડુંગર વિસ્તારમાં અવિરત ભારે વરસાદ (Rain) ને પગલે જિલ્લાની તમામ નદી (River) ઓ ગાંડીતૂર બની છે. પારડી પાસે વહેતી પાર નદીનું રૌદ્ર સ્વરૂપમાં વહેણ જોવા મળી રહ્યું છે. પાર નદીનો લો લેવલ કોઝવે પાણી (water) માં ગરકાવ થઈ ગયો છે. જિલ્લાની ઔરંગા, કોલક, તાન અને માન નદીમાં પણ પૂરની સ્થિતિ છે. જિલ્લાની નદીઓના જળ સ્તર પર વહીવટી તંત્રની બાઝ નજર રાખી રહ્યું છે. હાલમાં પારડી, બરૂડિયાવાળ અને કાશ્મીરાનગર ઓરંગા નદીના પાણીમાં ગરક છે. નળીમધની, અરણાઈ, કુંડા, આમધા સંપર્ક વિહોણા બન્યા છે.
પાણીમાં ડૂબેલા વિસ્તારની મુલાકાતે ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને તમામ કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. અહીંથી જે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તેઓને નજીકના સેન્ટર હોમમાં રાખવામાં આવ્યા છે અને તેઓની જમવાની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી છે. 300 જેટલા લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને રામલલ્લા મંદિર પાસે એમના હોલમાં રાખવામાં આવ્યા છે તો બીજી તરફ યાદવ નગરમાં 40 લોકો ફસાયેલા છે તેઓને કાઢવા માટે એનડીઆરએફની ટીમ પ્રયત્ન કરી રહી છે.
ભરૂડિયાવાળ અને કાશ્મીરા નગરમાંથી તમામ લોકોને હાલ બહાર કાઢી લેવામાં આવ્યા છે જ્યારે આ વિસ્તારના ઘરો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. વલસાડ નગરપાલિકા દ્વારા તમામ લોકોને નજીકના સેન્ટર હોમમાં શિફ્ટ કરી તેઓનું ધ્યાન રખાઈ રહ્યું છે.
તળિયાવાળમાં ઓરંગા નદીના પ્રકોપનો પ્રભાવ ધીરે ધીરે વધી રહ્યો છે હાલ તરિયાવાળના જે ઘરોમાં ઓટલા સુધી પાણી હતા તે હવે છાપરા સુધી પહોંચી રહ્યા છે જેને લઈને ઘરોમાં ભારે નુકસાન થઈ રહ્યું છે હાલની સ્થિતિમાં તળિયાવાળના આ વિસ્તારમાં કોઈપણ જઈ શકે એમ નથી અને તંત્ર પણ કુદરત સામે લાચાર છે.
શિક્ષણ વિભાગ દ્વારા આજે વલસાડ જિલ્લાની તમામ શાળાઓમાં બાળકોને રજા આપવા આદેશ કર્યા છે. જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શાળાઓને વિદ્યાર્થીઓને રજા આપવા આદેશ કર્યા છે. નિર્ણય અંગે શાળાના બાળકોના વાલીઓને પણ જાણ કરવા સૂચન આપવામાં આવ્યું હતું. જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી અને ઠેર ઠેર ભરાયેલ પાણીને કારણે બાળકોની સુરક્ષાને લઈ શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે.
Published On - 11:44 am, Mon, 11 July 22