ગ્રીન એનર્જી સેક્ટરમાં 6 લાખ નોકરીઓનું કરાશે સર્જન, ચિંતન શિબિરની પૂર્ણાહુતિ પ્રસંગે સરકારની જાહેરાત, તો CMએ અધિકારીઓને ફિલ્ડ વિઝિટ કરવા કરી ટકોર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયના વરિષ્ઠ અધિકારીઓને આહવાન કર્યું છે કે, વિકસિત ગુજરાત 2047 માટે 'અર્નિંગ વેલ- લિવિંગ વેલ'ના બે પિલ્લર આધારિત વિકાસયાત્રાને વધુ ગતિ આપવા સૌ થીન્કિંગ-વેલ ડૂઇંગ વેલનો ભાવ જગાવે. CM એ અધિકારીઓને ફરજો અને વિભાગોની ઓનરશીપ સાથે સંપૂર્ણ સમર્પણ, જવાબદારી અને લોકહિતની પ્રતિબદ્ધતા સાથે નિભાવવાનું જણાવતાં ઉમેર્યું કે, આપણે જ્યાં હોઇએ ત્યાં આપણું શ્રેષ્ઠ કાર્યપ્રદાન આપીને રાજ્યના વિકાસમાં અને સામાન્ય માનવીના સુખ સુવિધાના કામોમાં કાર્યરત રહીએ ત્યારે જ આત્મસંતોષ મળે. 

ગ્રીન એનર્જી સેક્ટરમાં 6 લાખ નોકરીઓનું કરાશે સર્જન, ચિંતન શિબિરની પૂર્ણાહુતિ પ્રસંગે સરકારની જાહેરાત, તો CMએ અધિકારીઓને ફિલ્ડ વિઝિટ કરવા કરી ટકોર
| Edited By: | Updated on: Nov 29, 2025 | 8:48 PM

વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે ‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે યોજાયેલી 12મી ચિંતન શિબિરનું સમાપન કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનએ આપેલા વિકસીત ભારત @ 2047ના સંકલ્પમાં ગુજરાતને વિકસિત ગુજરાત @ 2047થી અગ્રેસર રાખવાનો જે રોડમેપ આપણે લોકો માટે અર્નિંગ વેલ લીવિંગ વેલના મંત્ર સાથે તૈયાર કર્યો છે. તેને થીન્કિંગ વેલ ડૂઇંગ વેલના ભાવથી આ ચિંતન શિબિર વૈચારિક ભાથું પૂરું પાડશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને ફરજો અને વિભાગોની ઓનરશીપ સાથે સંપૂર્ણ સમર્પણ, જવાબદારી અને લોકહિતની પ્રતિબદ્ધતા સાથે નિભાવવાનું જણાવતાં ઉમેર્યું કે, આપણે જ્યાં હોઇએ ત્યાં આપણું શ્રેષ્ઠ કાર્યપ્રદાન આપીને રાજ્યના વિકાસમાં અને સામાન્ય માનવીના સુખ સુવિધાના કામોમાં કાર્યરત રહીએ ત્યારે જ આત્મસંતોષ મળે.

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, માત્ર ફાઇલ વર્ક કરીને સંતોષ માનવા કરતાં નિયમિતપણે ફિલ્ડ વિઝીટ, સ્થળ પર હાજરી, વાસ્તવિક સમસ્યાઓનો સૂઝબૂઝથી સામનો કરવાની પહેલવૃત્તિ અને લોકહિત તથા કલ્યાણ માટે સંવેદના જગાવીને કાર્યક્ષમતામાં અનેકગણો વધારો થઇ શકે અને આપણે પોતે કરેલા કામોના મૂલ્યાંકનથી વિકાસની સાચી દિશા નક્કી થઇ શકે.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં શરૂ કરાવેલી ચિંતન શિબિરની ઉત્તરોત્તર સફળતામાં ટીમ ગુજરાતની મહેનત અને પ્રજા હિત માટેનું સામૂહિક ચિંતન ફળદાયી રહ્યું છે, તેમ જણાવ્યું હતું.

2003ની પ્રથમ ચિંતન શિબિરમાં નરેન્દ્ર મોદીએ આપેલી પ્રેરણા “આપણો અભિગમ સંકલિત હોય, ગામડાઓને ગરીબીમાંથી બહાર કાઢીએ અને એકપણ પરિવાર ગરીબી રેખાથી નીચે ન રહે. જ્યારે ભારત ૨૧મી સદી તરફ  અગ્રેસર હોય ત્યારે આ સદીને ભારતની સદી બનાવવામાં આપણા બધા તરફથી કંઇ યોગદાન હોવું જોઇએ. આ ફક્ત રાજકીય કે ઓફીસીયલ કાર્યક્રમ નથી, માનવજાતના ઉત્થાનનો એક નાનો પ્રયાસ છે.”

આ વાતનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનએ જે કહેવું તે કરવું નો મંત્ર અપનાવ્યો છે અને આ વાત સાકાર કરતાં કરોડો લોકોને ગરીબી રેખાથી બહાર લાવ્યા છે. અને ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા જઇ રહ્યું છે. ગુજરાતમાં આપણે તેમના દિશા દર્શનમાં સર્વાંગી વિકાસની ગતિ તેજ બનાવીને માથાદીઠ આવક પાછલા અઢી દાયકામાં ૧૯૮૨૩થી વધારીને ૩ લાખ ૨૨ હજાર સુધી પહોંચાડી છે.

મુખ્યમંત્રીએ ત્રિદિવસીય ચિંતન શિબિરના વિધિધ ચર્ચાસત્રોમાં થયેલા સામૂહિક વિચાર મંથનથી મળેલા સૂચનો પર વાસ્તવિક અમલથી સર્વાંગી વિકાસ માટે ટીમ સ્પીરીટથી કાર્યરત થવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કુપોષણ સામે સામૂહિક ઝુંબેશ શરૂ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ ચિંતન શિબિરમાં સામૂહિક જૂથ ચર્ચામાં આવેલા વિષયો પર થયેલી કામગીરીનું સમયાંતરે મૂલ્યાંકનની અને આગામી ચિંતન શિબિરમાં નવી ઊર્જા તથા વધુ ઊંચા વિકાસ લક્ષ્યો સાથે મળવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.

ચિંતન શિબિરના વિવિધ વિષયો પર ગંભીરતાપૂર્વક ચિંતન અને મનનથી છેવાડાના માનવીના કલ્યાણ અને રાજ્યની વિકાસયાત્રાને ગતિમાન બનાવવાનો માર્ગ પ્રસ્થાપિત કરવાનો અનુરોધ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, શિબિરમાં થયેલી નિખાલસ અને ટ્રાન્સપરન્ટ ચર્ચાઓ રાજ્યના વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. ત્રણ દિવસના સામૂહિક મનોમંથનથી તૈયાર થયેલ મુદ્દાઓ માત્ર આર્કાઈવમાં જ ન રહે, પરંતુ યોગ્ય ડોક્યુમેન્ટેશન થાય તેનો સીધો લાભ ગુજરાતના સામાન્ય નાગરિકોને મળે તે જરૂરી છે.

ચિંતન શિબિરમાંથી કઈંક નવું શીખી લોકોના કલ્યાણ માટે જમીની સ્તર પર કાર્યરત રહેવાનો અનુરોધ કરતા નાયબ મુખ્યમંત્રીએ સંઘવીએ કહ્યું કે, માત્ર સચિવાલય સ્તરે નહીં, પરંતુ છેક જિલ્લા પ્રશાસન સુધી શિબિરની ફલશ્રુતિ પહોંચાડીએ.

તેમણે શ્રીમદ રાજચંદ્ર આશ્રમના આધ્યાત્મિક વાતાવરણમાં યોજાયેલી આ ચિંતન શિબિર સૌને પ્રજાના હિત અને કોઇ ગરીબના આંસુ લુંછવાનું સંવેદના સભર માધ્યમ બનશે, તેવી આશા વ્યક્ત કરી હતી અને રાજચંદ્ર મિશનનો તેમણે આપેલા સહયોગ બદલ આભાર માન્યો હતો.

ત્રિદિવસીય ચિંતન શિબિરના સમાપન અવસરે રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા સહિત વરિષ્ઠ સચિવઓ, જિલ્લા કલેક્ટરઓ, વિકાસ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય વહીવટી વિભાગના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગના સચિવ હારિત શુકલાએ  આ શિબરની સફળતા માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

પંજાબના એક દેશી છોકરા થી ભારતનો સૌથી હેન્ડસમ હીરો બનવાની ધર્મેન્દ્રની અનકહી સફર

Published On - 8:42 pm, Sat, 29 November 25