
વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસને લઈને ચિંતા વધી છે. ગોધરાથી સારવાર માટે લાવવામાં આવેલા 9 વર્ષીય બાળકનું મોત થતાં આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર બાળકને હોસ્પિટલમાં મૃત હાલતમાં જ લાવવામાં આવ્યો હતો. જોકે, બાળકના મોતનું ચોક્કસ કારણ લેબોરેટરી તપાસના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
હાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા અન્ય બે બાળકો વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બંને બાળકો પંચમહાલ જિલ્લામાંથી સારવાર માટે વડોદરા લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટરો દ્વારા તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગે બંને બાળકોના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. હાલ તેમના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ શકશે. ત્યાં સુધી આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
ઘટનાને પગલે આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. સંબંધિત વિસ્તારોમાં સર્વેલન્સ, દર્દીઓની સ્થિતિ પર નજર અને જરૂરી આરોગ્ય સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને તાવ, બેભાન થવું, આંચકી આવવી અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ કરી છે. હાલ તમામની નજર બંને બાળકોના લેબોરેટરી રિપોર્ટ પર છે, જે બાદ સમગ્ર સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.
મહત્વનું છે કે પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો ખતરો યથાવત જોવા મળી રહ્યો છે. ગોધરાના મણિપુર ગામના મહુડી ફળિયાના એક વર્ષના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. બાળકને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવેલા બે બાળકોમાંથી એક બાળકના મોતની પણ માહિતી સામે આવી છે. બીજી તરફ, વાયરસના સંક્રમણને રોકવા માટે આરોગ્ય વિભાગે કામગીરી તેજ કરી છે અને જિલ્લામાં વાયરસ ફેલાવવામાં સંભવિત ભૂમિકા ધરાવતી 300થી વધુ સેન્ડફ્લાય માખીઓને પકડી તપાસ માટે મોકલવામાં આવી છે.
આ પણ વાંચો- Gujarat Rain update: ગુજરાતમાં ચોમાસું ફરી નબળું પડ્યું, આગામી એક અઠવાડિયા સુધી નોંધપાત્ર વરસાદની શક્યતા નહીં