વડોદરા (Vadodara) ના પાદરામાં ઢાઢર નદીમાં જળસ્તર વધતા મુશ્કેલી વધી છે. પાદરા તાલુકાના 8 ગામોને ભારે અસર પહોંચી છે. નદીમાં પાણીનો પ્રવાહ વધતા સલામતીના ભાગરૂપે પાદરા કરજણ રોડ બંધ કરાયો છે. એટલું જ નહીં વીરપુર ગામમાં પૂર (Flood) જેવી સ્થિતિનું નિર્મામ થયું છે. ગામના ઘરોમાં કેડસમા પાણી ભરાયા છે. જેને લઇ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વીરપુર ગામમાંથી 34 લોકોનું રેસ્ક્યૂ (rescue) કરી સલામત સ્થળે લઇ જવાયા છે.તો બીજી તરફ હુસેપુર ગામ પણ પાણી પાણી થયું છે. જેથી નીચાણવાળા વિસ્તારમાંથી 41 લોકોને બચાવી લેવાયા છે. સાથે સાથે પાદરા મામલદારે લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે. કરજણનાં સંભોઇ ગામે 100 લોકો પુરમાં ફસાયા હતાં. સંભોઇનાં નવીનગરી વિસ્તારમાં ખેતર વિસ્તારમાં 100 થી વધુ લોકો ફસાયેલા છે જેથી ગ્રામજનોને બચાવવા NDRF નું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મધરાતે ભારે વરસાદ બાદ રંગાઈ નદીમાં પાણી વધતા કંડારી ગામ અડધું ડૂબી ગયું હતું. આ અંગેની જાણ પોલીસ અને NDRFને કરવામાં આવી છે. NDRFના જવાનોએ અડધી રાત્રે અઢી વાગ્યાથી બોટની મદદથી સ્થાનિકોને બચાવવાનું મહા અભિયાન હાથ ધર્યું હતું. જેમાં બે સગર્ભા સહિત 15 મહિલાઓ, 18 બાળકો અને બે દર્દીઓએ પણ સલામત રીતે બહાર કાઢ્યા હતાં. કુલ 72 વ્યક્તિઓને બચાવાયાં હતાં. રેસ્કયુમાં કરજણ પોલીસની પણ મદદ લેવાઈ હતી. એક દીવાલ પડતાં બે લોકોને પગે ઈજા થઈ હતી. આ ઉપરાંત NDRFની ટીમે બકરીઓને પણ ડૂબતી બચાવી હતી.
રેસ્ક્યુ કરેલા લોકોને નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ ટાટા મોટર્સ કેરમાં રખાયાં છે. કરજણના કંડારી ગામ પાસેથી રંગાઈ નદી પસાર થાય છે. રંગાઈ નદી સાથે વરસાદી પાણી ભેગું થતા કંડારી ગામનો અડધો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. કરજણ પંથકમાં રાત્રી દરમિયાન 12 કલાકમાં 6.49 ઇંચ વરસાદ ખાબક્યો હતો. કરજણમાં સિઝનનો ટોટલ વરસાદ 28.30 ઇંચ નોંધાયો છે.
વડોદરા જિલ્લામાં ડભોઇમાં વરસાદે તારાજી સર્જી છે. 12 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોની સોસાયટીમાં પાણી ભરાયાં છે. રાણાવાસ, ખઇવાડી, જનતાનગરમાં સોસાયટીઓમાં પાણી ફરી વળ્યાં છે. આ સાથે સિકંદર ચાલી, કાંસકીવાડ, સત્યમ પાર્ક સોસાયટીમાં પણ પાણી ભરાયાં છે. અત્યારે સુધીમાં 70થી 80 મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યાં છે જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
Published On - 2:10 pm, Thu, 14 July 22