
વડોદરામાં 10 અપ્રિલે સેન્ટ્રલ બસ સ્ટેશન પર ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ શેડ અચાનક ધરાશાયી થયો એ સમયે નીચેથી પસાર થઈ રહેલા એક વૃદ્ધ રાહગીર પર આ શેડનો કાટમાળ પડ્યો અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ આવી છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં દૈનિક 70 હજારથી વધુ મુસાફરો આવે છે અને 2200 જેટલી એસટી બસોનું સંચાલન થાય છે. વડોદરામાં નવુ બસસ્ટેશન બન્યુ તેને માંડ 12,13 વર્ષ થયા છે. ₹114 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બસ સ્ટેશનનુ ઉદ્દઘાટન ફેબ્રુઆરી 2014માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યુ હતુ. હાલ બસ સ્ટેશનના સ્ટ્રક્ચરની ગુણવત્તા સામે પણ સવાલ ઉઠે છે કે એવુ તો કેવુ હલકી ગુણવત્તાનું બાંધકામ હશે કે માત્ર 13 વર્ષમાં ધરાશાયી થવા લાગે.
સૌથી કરૂણ બાબત એ છે કે આ શેડ અચાનક ધરાશાયી થતા એક વૃદ્ધે જીવ ગુમાવ્યો છે. જ્યારે હજુ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. તંત્ર એકબીજા પર દોષારોપણ કરી રહ્યુ છે. ત્યારે જવાબદેહી કોની તે મોટો સવાલ છે. રોજ અહીંથી હજારો નાગરિકો પસાર થાય છે. રોજની 2000થી વધુ બસો અહીંથી પસાર થાય છે. સદ્દનસીબે એ સમયે ત્યાંથી માત્ર બે જ લોકો પસાર થઈ રહ્યા હતા, નહીં તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોત.
બીજો સવાલ એ પણ છે કે શેડ નબળો પડી રહ્યો છે. ગમે ત્યારે ધડામ દઈને તૂટી શકે છે, તે અંગે શું કોઈને જાણ જ ન હતી? જર્જરીત થયેલા શેડને તૂટે એ પહેલા કેમ ઉતારી ન લેવાયો તે પણ મોટો સવાલ છે. શું શેડ નબળો પડ્યો છે તે અંગે તંત્ર જાણી જોઈને અંધારામાં રહ્યુ ? લોકોના જીવના ભોગે આંખ આડા કાન કરનારા તંત્રના સત્તાધિશોને શું કોઈ સજા થશે? શું આ ઘટનામાં કોઈની જવાબદેહી નક્કી થશે. હરહંમેશની જેમ ઘટનાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભરચક માહોલમાં ભૂલાવી દેવામાં આવશે?
Input Credit- Anjali Ojha- Vadodara
Published On - 4:04 pm, Mon, 13 April 26