
અભિનેતા સલમાન ખાનને સોશિયલ મીડિયા મારફતે ધમકી આપનાર યુવક મામલે નવો ખુલાસો થયો છે. મુંબઇ પોલીસ અને વડોદરા પોલીસે તપાસ દરમિયાન યુવકના માનસિક સ્થિતિ અંગે ચિંતાજનક વિગતો બહાર આવી છે. મળતી માહિતી મુજબ, 26 વર્ષીય મયંક પંડ્યા, જે વડોદરાના રવાલ ગામનો રહેવાસી છે, તે અભિનેતા સલમાન ખાનને મળેલી ધમકીની ઘટના પાછળનો મુખ્ય શખ્સ હોવાનું સામે આવ્યું છે.
મયંકે સોશિયલ મીડિયા પર પ્રસારિત એક મેસેજ મારફતે સલમાન ખાનને ધમકી આપી હતી. આ મામલે મુંબઇના વરલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મયંક પંડ્યા માનસિક રીતે અસ્થિર છે અને તેની દવાઓ પણ ચાલુ છે. પોલીસે તેના પરિવારજનો સાથે વાત કર્યા બાદ જણાવ્યું કે મયંક ઘણા સમયથી માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. પ્રાથમિક તપાસમાં એવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે તેણે માત્ર સોશિયલ મીડિયા પર ફોલોવર્સ વધારવા અને પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારનું કાવતરૂં રચ્યું હતું.
મુંબઈ અને વડોદરા પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન મયંકનો મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ મયંક સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ હતો અને ઘણી વાર અલગ-અલગ ગ્રુપ્સમાં જોડાઈ જઈને પોતાનું ધ્યાન ખેંચાવવાનો પ્રયાસ કરતો હતો.
#SalmanKhan gets death threat: Accused Mayank Pandya grilled by Mumbai & Vadodara police #Vadodara #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/2cS7hPuDQw
— Tv9 Gujarati (@tv9gujarati) April 15, 2025
મુંબઇ પોલીસે મયંકને સ્વાસ્થ્ય સંબંધિત તમામ દસ્તાવેજો સાથે પૂછપરછ માટે હાજર રહેવા નોટિસ આપી છે. હાલ સુધીમાં મળેલી માહિતીના આધારે મામલો ગંભીર માનવામાં આવતો હોવા છતાં, યુવકની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી માટે મેડિકલ રિપોર્ટ અને મનોવિજ્ઞાનિકોની સલાહ લેવામાં આવી રહી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.
મહત્વનું કે સમાચાર આ પહેલા ‘વર્લી ટ્રાફિક કંટ્રોલ રૂમના વોટ્સએપ પર અભિનેતા સલમાન ખાન માટે ધમકીભર્યો સંદેશ મળ્યો હતો કે અભિનેતાને તેના ઘરે ઘુસી મારી નાખવામાં આવશે.’ તેમજ તેની ગાડીને બોમ્બથી ઉડાવી દેશે. જે પછી પોલીસે મેસેજ કરનારની શોધખોળ શરુ કરી દીધી હતી.