
વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી કે પીએમ મોદી 26 મેના રોજ સવારે 9:30 કલાકે હરણી એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યારબાદ, એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી લગભગ 1 કિલોમીટરના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શહેર તથા જિલ્લાની અનેક બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
પીએમના પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની કમી ન રહે તે માટે મોટા પાયે તૈયારીઓ હાથ ધરાઈ છે. પોલીસ વિભાગ દ્વારા 7 ડી.સી.પી., 15 એ.સી.પી., 70 પીઆઈ સહિત કુલ 2000થી વધુ પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત માટે નિમણૂક કરવામાં આવી છે. સાથે જ એસ.પી.જી., એન.એસ.જી. અને ચેતક કમાન્ડોની ટુકડીઓ પણ સુરક્ષા વ્યવસ્થામાં સામેલ થનાર છે.
શહેરમાં 24 કલાક માટે ડ્રોન પર પ્રતિબંધ ફરમાવાયો છે અને વડોદરાને ‘નો-ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે.
PM ના રોડ શો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થામાં પણ ફેરફાર લાવવામાં આવશે. 26 મેના રોજ સવારે 7 વાગ્યાથી અમુક વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ઝન લાગુ પડશે. એરપોર્ટ તરફ જતા માર્ગ પર વાહન વ્યવહાર નિયંત્રિત રહેશે.
જે મુસાફરોની એર ટિકિટ બુક થયેલી છે તેઓ માટે ખાસ છૂટછાટ આપવામાં આવી છે. આવા મુસાફરોને વિનંતી છે કે તેઓ પહેલા જ યોજનાબદ્ધ આયોજન કરે અને ઉડાનના નક્કી સમયગાળાથી ઓછામાં ઓછા બે કલાક અગાઉ એરપોર્ટ પર હાજર રહે. મુસાફરોએ ફરજ પર રહેલા પોલીસ અધિકારીઓને પોતાની ટિકિટ દર્શાવવી રહેશે જેથી જરૂરી સહાય મળી શકે.
Published On - 8:51 pm, Sat, 24 May 25