
ગુજરાતમાં મતદાનને હવે થોડા જ દિવસ બાકી છે. ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની વધુ 3 બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. જેમાં ખૂબ જ ચર્ચામાં રહેલી વડોદરા બેઠક પર કોંગ્રેસે જશપાલસિંહ પઢિયારને ટિકિટ આપી છે. ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી સામે તેઓ ચૂંટણી જંગ લડવાના છે.
જશપાલસિંહ પઢીયાર અગાઉ લોકસભાની ચૂંટણી લડવા માટે ના પાડી ચૂક્યા છે તેમ છતાં તેઓના નામ ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી છે.પાદરા એ છોટાઉદેપુર સંસદીય મત ક્ષેત્રમાં લાગે છે, જેના કારણે તેમણે અગાઉ વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે લડવાની ના પાડી હતી. જો કે અનેક ચર્ચાઓ બાદ કોંગ્રેસ દ્વારા વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે તેઓના જ નામની જાહેરાત કરી છે.
સમગ્ર ભારત દેશમાં ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પ્રદર્શન કરી રહી છે ત્યારે વડોદરા બેઠક ઉપરથી કોંગ્રેસે યુવાન નેતા જશપાલસિંહ પઢીયારની પસંદગી કરતા આશ્ચર્ય સર્જાયુ છે. તેમનો મત વિસ્તાર વડોદરા લોકસભામાં આવતો નહિં હોવા છતાં તેમને વડોદરા લોકસભાની બેઠક માટે ઉમેદવાર જાહેર કરાયા છે.જેનો અર્થ કોંગ્રેસે ક્ષત્રિય મતો અંકે કરવા માટે પાસુ ફેંક્યું હોય તેમ મનાય છે.
કોંગ્રેસે આખરે વડોદરા બેઠક પરના ઉમેદવારના નામ પરથી પડદો હટાવી દીધો છે. વડોદરા બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા જશપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર 41 વર્ષની વયના છે. જશપાલસિંહ પઢિયાર ઠાકોર તરીકે પણ ઓળખાય છે. તેમણે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ મૂળ એકલબારા ગામની દૂધ મંડળીના પ્રમુખ છે.
વર્ષ 2010માં તેઓ અપક્ષ તરીકે તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા બાદ વર્ષ 2-11માં યુવા કોંગ્રેસની ચૂંટણી લડી કોંગ્રેસમાં પ્રવેશ્યા હતા. જશપાલસિંહ પઢિયાર અગાઉ કોંગ્રેસમાંથી જ ધારાસભ્ય રહી ચુક્યા છે. તેઓ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાદરા બેઠક પર જીત મેળવીને ધારાસભ્ય બન્યા હતા. જો કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમને પાદરા બેઠક પર જ હારનો સામનો કરવો પડ્યો હતો.
જશપાલસિંહ પઢિયાર હાલ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે અને ક્ષત્રિય સમાજમાંથી આવે છે. વડોદરા જિલ્લાના સાવલી અને વાઘોડિયા તાલુકામાં ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા વધુ છે. જેથી કોંગ્રેસે તેમને આ લોકસભા બેઠક જીતવાની કમાન સોંપવામાં આવી છે.
Published On - 1:32 pm, Tue, 9 April 24