VADODARA : પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો ગુજરાત પહોંચી ગયા છે. તમામ માછીમારોનું વડોદરા રેલવે સ્ટેશન પર આગમન થયું છે. વડોદરાથી તમામ માછીમારોને વતનમાં પહોંચાડાશે. 20 માછીમારોમાં ગીર સોમનાથના 19 અને પોરબંદરના એક માછીમારનો સમાવેશ છે. માછીમારો બે દિવસ પહેલા વાઘા બોર્ડરથી ગુજરાત આવવા નીકળ્યા હતા. માછીમારોએ TV9 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હજુ પાકિસ્તાનની જેલમાં તેમની સાથેના 14 સહિતના કુલ 570 જેટલા માછીમારો કેદ છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા મુક્ત કરાયેલા 20 ભારતીય માછીમારો સોમવારે 15 નવેમ્બરે અટારી-વાઘા બોર્ડર મારફતે ભારતમાં પ્રવેશ્યા હતા. એક માછીમારે કહ્યું હતું કે અમે દરિયામાંથી પકડાયા છીએ અને છેલ્લા 4 વર્ષથી લાંધી જેલમાં હતા. એમ પણ કહ્યું કે જેલમાં રહેવા દરમિયાન અમારા પરિવારોને દર મહિને 9000 રૂપિયા આપવા બદલ મોદી સરકારનો આભાર માનીએ છીએ.
પાકિસ્તાન સરકારે ગયા વર્ષની શરૂઆતમાં 20 ભારતીય માછીમારોને અને એપ્રિલ 2019માં 100 ભારતીય માછીમારોની બીજી બેચને સદ્ભાવનાના સંકેત તરીકે મુક્ત કર્યા હતા. પાકિસ્તાન અને ભારતના માછીમારો સામાન્ય રીતે એકબીજાની જળસીમામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા બદલ ધરપકડ થયા બાદ જેલમાં જાય છે.
આ પણ વાંચો : વેક્સિન નહીં તો પ્રવેશ નહીં : સુરતમાં બીજા દિવસે 6 હજારથી વધુ લોકોને બસમાં પ્રવેશતા રોકાયા
Published On - 7:28 pm, Wed, 17 November 21