વડોદરા(Vadodara)માં એક કાંસના કારણે રાજકારણ ગરમાયું છે. એક કાંસે સત્તાધીશોના નાકમાં દમ કરી મૂક્યો છે. સ્થિતિ ત્યાં સુધી વકરી છે કે અડધી રાત સુધી સામાન્ય સભામાં ચર્ચા કરવી પડી રહી છે. શનિવારે વડોદરામાં પાણીની લાઈનમાં લીકેજ (Leakage in water line) મુદ્દે મોડી રાત સુધી સામાન્ય સભા (General meeting) ચાલી. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કોર્પોરેટરો રાત્રે 12 વાગ્યા સુધી સામાન્ય સભામાં ચર્ચા કરતા જોવા મળ્યા.
18 ફેબ્રુઆરીએ લીકેજ શોધવા કાંસમાં ઉતરેલા ભાજપના કોર્પોરેટર આશિષ જોષીએ શનિવારે લીકેજની સમસ્યાનો મુદ્દો સામાન્ય સભામાં ઉઠાવ્યો. ચર્ચા દરમિયાન મામલો એટલો ગરમાયો કે કોર્પોરેટર આશિષ જોષી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ.હિતેન્દ્ર પટેલ સામસામે આવી ગયા. કોર્પોરેટર આશિષ જોષીએ મેયરને સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. તેમણે કહ્યું કે સોમવાર સુધી અધિકારી સામે પગલાં નહીં લેવાય તો તેઓ મંગળવારે પ્રેઝન્ટેશન મૂકશે. તેમણે આરોપ લગાવ્યો કે અધિકારીઓ મેયરને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેઓ છેલ્લા કેટલાક મહિનાથી મેયરને રજૂઆતો કરતા હતા. પરંતુ અધિકારીઓ મેયરને એવું કહેતા હતા કે પુણેથી ઈન્સ્પેક્શન થઈને પંપ આવશે.
વડોદરામાં પાણીની લાઈનમાં લીકેજનો પ્રશ્ન ઉકેલવા ભાજપના કોર્પોરેટર આશિષ જોષીના અલ્ટીમેટમથી ગભરાયેલા મેયર રાત્રે 11 વાગ્યે સામાન્ય સભા પૂર્ણ કરીને સીધા જ કાંસ જોવા દોડી ઉમા ચાર રસ્તા પર પહોંચી ગયા હતા. અલ્ટીમેટમ બાદ મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરે અડધી રાત્રે જ દોડવું પડ્યું હતુ. તો લીકેજની સમસ્યાનો ઉકેલ લાવવા ખુદ મેયરે વરસાદી કાંસમાં ઉતરવું પડ્યું. અધિકારીઓ સાથે મેયરે કાંસમાં ઉતરીને લીકેજ શોધવાનો પ્રયત્ન કર્યો. પરંતુ શુદ્ધ પીવાનું પાણી ક્યાંથી લીકેજ થઈ રહ્યું છે તે શોધી શકાયું નથી.
કાંસમાં ઉતરીને નિરીક્ષણ કર્યા બાદ મેયર કેયુર રોકડિયાએ કહ્યું કે- કોર્પોરેટર કાંસમાં ઉતરી શકતા હોય તો અધિકારીઓ કેમ ના ઉતરી શકે? અધિકારીઓને કાંસમાં ઉતારીને લીકેજ શોધવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ હાલમાં કોઈ લીકેજ ધ્યાન પર આવ્યું નથી. હવે આગળનો સ્લેબ તોડીને લીકેજ શોધવાનો પ્રયત્ન કરાશે.
તો બીજીતરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બચાવ કરતાં કહ્યું કે પૂર્વ વિસ્તારમાં વૃંદાવનથી હાઈવે તરફ અને ઉમા ચાર રસ્તાથી વૃંદાવન તરફ સ્લેબવાળી વરસાદી ચેનલ ઉપર વર્ષો જૂનો કાટમાળ ભરાઈ ગયો હતો. જેથી સ્લેબ તોડીને કાટમાળ કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જે બાદ પાણીના લીકેજની વાત કોર્પોરેટરના ધ્યાન પર આવી હતી. તેમણે કહ્યું કે લીકેજ શોધીને સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે..
આતરફ મ્યુનિસિપલ કમિશનરે જાત નિરીક્ષણ કર્યા બાદ કહ્યું કે રવિવાર સવારથી વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સંકલનમાં રહીને લીકેજ શોધીને તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવશે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-