અમદાવાદના વાતાવરણમાં એકાએક આવ્યો પલટો, બપોર બાદ અનેક વિસ્તારોમાં પડ્યુ ધોધમાર ઝાપટુ – Video

|

Oct 19, 2024 | 3:29 PM

અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. બપોર બાદ ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી થઈ અને ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો.

અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. શહેરના રિવરફ્રન્ટ, શાહીબાગ, ગોતા, ચાંદલોડિયા, જોધપુર, શિવરંજની, પ્રહલાદનગર, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડતા વાતાવરમમાં ઠંડક પ્રસરી હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે જ્યારે સુરત, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવા થી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

અમદાવાદમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ અને બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. એકાએક ગાજવીજ અને વાદળોના ગટગટાડ વચ્ચે વરસાદનું આગમન થયુ. વરસાદ સાથે ભારે પવન પણ ફુંકાવાની શરૂઆત થઈ હતી.

વરસાદ સાથે આગામી 24 ઓક્ટોબરથી ગુજરાત પર વાવાઝોડાનું પણ સંકટ જોવા મળી રહ્યુ છે. હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 22 થી 25 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડુ સર્જાઈ શકે છે. વાવાઝોડાની ગતિ 100 થી 120 કિમી સુધી રહે તેવુ અનુમાન છે. જો આ ચક્રવાત સર્જાશે તો થાઈલેન્ડ થઈને સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં આવશે, જેની સીધી અસર ગુજરાતમાં વર્તાશે. વાવાઝોડાને કારણે 24 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના જૂદા જૂદા ભાગમાં વરસાદ પ઼ડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની વકી છે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:28 pm, Sat, 19 October 24

Next Video