
આજે સવારે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ગણપતિ મંદિર નજીક મુખ્ય માર્ગ પર એક શંકાસ્પદ બિનવારસી બેગ મળી આવતા શહેરમાં ખડભડાટ મચી ગયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોમાં દોડધામ વ્યાપી હતી. જોકે, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસ બાદ બેગ ખાલી હોવાનું બહાર આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
મળતી માહિતી મુજબ, રાંદેર મેઈન રોડ ઉપર એક ચાર રસ્તા નજીક ટ્રાફિક પોલીસના જવાનો ગણેશ મંદિરની સામેના પોઈન્ટ પર તેમની ફરજ પર હતા. તે દરમિયાન તેઓના ધ્યાન પર એક બિનવારસી બેગ આવી હતી. હાલના સમયમાં દેશમાં પ્રવર્તતી સુરક્ષાની સ્થિતિ અને દિલ્હી બ્લાસ્ટ જેવી ઘટનાઓ બાદ સમગ્ર ગુજરાતમાં, નાના જિલ્લાઓથી લઈને તમામ શહેરોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના ડીજીપી દ્વારા પણ કોઈપણ શંકાસ્પદ વસ્તુ જણાય તો તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરવાના સૂચનો આપવામાં આવ્યા છે. આ સૂચનોના ભાગરૂપે, ટ્રાફિક પોલીસે તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
કંટ્રોલ રૂમને માહિતી મળતાની સાથે જ રાંદેર પોલીસ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ (BDDS) ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અધિકારીઓએ કોઈ પણ જોખમ ન રહે તે માટે તાત્કાલિક પગલાં લીધા હતા. સૌપ્રથમ, બેગની આસપાસના વિસ્તારમાંથી લોકોની અવરજવર બંધ કરાવવામાં આવી હતી. ત્યારબાદ, બોમ્બ સ્ક્વોડ દ્વારા બેગને સુરક્ષિત રીતે ત્યાંથી ઉપાડીને રાંદેર વિસ્તારમાં આવેલા એક ખુલ્લા મેદાનમાં, જે ભિક્ષુક ગૃહની પાછળ આવેલું છે, ત્યાં લઈ જવામાં આવી હતી.
ખુલ્લા મેદાનમાં પહોંચ્યા બાદ બોમ્બ સ્ક્વોડના નિષ્ણાતો દ્વારા આ બેગની સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. આધુનિક ઉપકરણો અને સુરક્ષા પ્રોટોકોલનો ઉપયોગ કરીને બેગને ખોલવામાં આવી. તપાસના અંતે, બેગમાંથી કોઈપણ પ્રકારની શંકાસ્પદ કે ગેરકાયદેસર વસ્તુ મળી આવી ન હતી.