SURENDRANAGAR : ચાલુ વર્ષે જીરુના વાવેતરમાં કેમ ઘટાડો ? જિલ્લામાં ચણાનું મબલખ ઉત્પાદન થાય તેવા એંધાણ
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસામાં અતિવૃષ્ટિથી કપાસ સહીતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જેથી ખેડૂતોને હવે શિયાળુ પાક પર આશા છે. ત્યારે ખેડૂતો અને પરંપરાગત જીરૂંના બદલે ચણા અને ઘઉંનુ વાવેતર વધુ પ્રમાણમાં કર્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ વાવેતરમાં જીરુંનું મોટા પ્રમાણમાં વાવેતર થતુ હોય છે. પરંતુ જીરૂના પાકમાં રોગ અને જીવાતોના ઉપદ્રવ તેમજ દવાના ખર્ચ અને ઉત્પાદનમાં ઘટનાં કારણે જિલ્લાના ખેડૂતો હવે ચણા અને ઘઉંના વાવેતર તરફ વળ્યા છે. આ વર્ષે જિલ્લામાં ચણામાં ૨૨ હજાર હેકટર, જ્યારે ઘઉંના વાવેતર માં ૭ હજાર હેક્ટરનો વધારો નોંધાયો છે જ્યારે જીરૂના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસામાં અતિવૃષ્ટિથી કપાસ સહીતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જેથી ખેડૂતોને હવે શિયાળુ પાક પર આશા છે. ત્યારે ખેડૂતો અને પરંપરાગત જીરૂંના બદલે ચણા અને ઘઉંનુ વાવેતર વધુ પ્રમાણમાં કર્યું છે. ગત સિઝનમાં જિલ્લામાં ૨૩ હજાર હેક્ટરમાં ઘઉં, ૨૬૮૫૧ હેક્ટરમાં ચણા અને ૫૭૫૧૪ હેકટરમાં જીરૂનું વાવેતર કર્યું હતું. પરંતુ જીરૂના પાકમાં રોગ અને જીવાતના ઉપદ્રવથી ઉત્પાદનમાં ઘટ આવતા તેમજ મોંઘી દવાઓના ખર્ચથી ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાની નોબત આવી હતી.
જીરૂના એક મણના ભાવ માંડ ૨૦૦૦ થી ૨૨૦૦ મળ્યા હતા. જેની સામે એક મણ જીરૂંના ઉત્પાદન પાછળ અંદાજે ૧૫૦૦ થી ૧૭૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે. જેથી ખેડૂતો હવે જીરૂંના બદલે ચણા અને ઘઉંના વાવેતર તરફ વળ્યા છે. જેને લઇને આ વર્ષે જિલ્લામાં ૩૦૧૮૦ હેક્ટરમાં ઘઉં, ૪૯૪૩૬ હેક્ટરમાં ચણા અને ૩૭૦૬૭ હેક્ટરમાં જીરુંનું વાવેતર નોંધાયુ છે. ચણાના વાવતેરમાં ઓછા ખર્ચે ઉત્પાદન વધુ તેમજ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીના કારણે ખેડૂતો ચણાના વાવેતર તરફ વળ્યા છે. અને જિલ્લામાં હજુ પણ આગામી સમયમાં ચણાના વાવેતરમાં વધારો નોંધાયો છે અને આ વર્ષે જિલ્લામાંથી ચણાનું મબલખ ઉત્પાદન થાય તેવી શક્યતા છે.
રાજસ્થાન જીરુંના ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર
હવામાનમાં ફેરફારની સૌથી મોટી અસર રવી પાકમાં જીરુંના પાકને થઈ છે. દેશમાં રાજસ્થાન અને ગુજરાત જીરું પકવતા સૌથી મોટા રાજ્યો છે. રાજસ્થાનમાં વાવેતર ગત વર્ષની સમકક્ષ પણ ગુજરાતમાં વાવેતરના આંકે ઉત્પાદનના ગણિત ફેરવી કાઢ્યા છે. લગ્નની સિઝન વચ્ચે પણ એક માસ બાદ શરૂ થતી જીરુંની સિઝનમાં રાજસ્થાનમાંથી આવક વહેલી આવવાના સંજોગો છે. જીરુંના પાકમાં હાલની ટનાટન સ્થિતિ વચ્ચે જીરુંએ હવામાન આધારિત પાક હોવાની સાથે વાતાવરણમાં ફેરફારો જોતાં ખેડૂતોએ આ વર્ષે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી પડશે.