પાણીપુરીના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video, જીવનમાં નહીં ખાઓ

ગાંધીનગરમાં ફાટી નીકળેલા રોગચાળા બાદ સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં પાણીપુરી વિક્રેતાઓ પર દરોડા પાડીને અખાદ્ય તેલ, સડેલા બટાકા અને અસ્વચ્છ પુરી જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહી વિભાગની ભૂતકાળની નિષ્ક્રિયતા પર સવાલો ઉભા કરી રહી છે અને જાહેર આરોગ્ય સુરક્ષા પર ભાર મૂકે છે.

પાણીપુરીના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video, જીવનમાં નહીં ખાઓ
video of panipuri made in filthy conditions surfaces in Surat
| Edited By: | Updated on: Jan 07, 2026 | 11:54 AM

ગાંધીનગરમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યા બાદ ગુજરાત સરકારે રાજ્યના તમામ શહેરોમાં આરોગ્ય વિભાગોને સાવચેતી અને કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચના બાદ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ આખરે એક્શન મોડમાં આવ્યો છે અને શહેરના પાણીપુરી વિક્રેતાઓ પર દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરી છે. જોકે આ કાર્યવાહી એટલા માટે સવાલો ઊભા કરી રહી છે કારણ કે તે ગાંધીનગરના રોગચાળા પછી મોડે મોડે શરૂ કરવામાં આવી છે, જેનાથી પાલિકાની અગાઉની નિષ્ક્રિયતા પર પ્રશ્નાર્થ સર્જાયો છે.

બટાકાનો મોટો જથ્થો ખરાબ સ્થિતિમાં રાખવામાં આવ્યો હતો

સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાસ કરીને ગુલશનનગર અને નાગસેનનગર જેવા સ્લમ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમોએ પાણીપુરી બનાવવામાં આવતી જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પાણીપુરી બનાવવા માટે કાળા પડી ગયેલા અખાદ્ય તેલનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત આલુ પુરી જેવી વસ્તુઓ ગંદા કપડાંમાં બનાવવામાં આવતી હતી, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. સૌથી ગંભીર બાબત એ હતી કે પાણીપુરીના માવા માટે સડેલા અને ખરાબ બટાકાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હતો. દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે બટાકાનો મોટો જથ્થો ખરાબ સ્થિતિમાં રાખવામાં આવ્યો હતો, જેમાંથી પાણીપુરીનો માવો બનાવવામાં આવતો હતો.

દૂષિત સામગ્રી જપ્ત કરી તેનો નાશ કરવાની કાર્યવાહી

આરોગ્ય વિભાગના અધિકારીઓએ સ્થળ પરથી અખાદ્ય બટાકા અસ્વચ્છ તેલ અને અન્ય દૂષિત સામગ્રી જપ્ત કરી તેનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પાણીપુરીના વિક્રેતાઓ સામે દંડની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જોકે, અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેઓ નિયમિતપણે મહિને મહિને અને રોજ સાંજે સ્કોડ દ્વારા આવી તપાસ કરતા જ હોય ​​છે. પરંતુ ઉપલબ્ધ દ્રશ્યો અને જોવા મળેલી અસ્વચ્છતાની વ્યાપકતા આ દાવા પર શંકા ઊભી કરે છે.

નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં

આ સમગ્ર ઘટનાથી એ સવાલ ઉદ્ભવી રહ્યો છે કે જો પાલિકાનો આરોગ્ય વિભાગ પહેલેથી જ સક્રિય હોત તો આવા રોગચાળાની સ્થિતિ ઊભી થવાની શક્યતા ઓછી હોત. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી આવી પ્રવૃત્તિઓ પર સમયસર અંકુશ મૂકવો અત્યંત જરૂરી છે. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની સૂચના બાદ જ આરોગ્ય વિભાગ કામે લાગ્યો હોવાનું જણાય છે. આ ઘટના દર્શાવે છે કે જાહેર આરોગ્યની સુરક્ષા માટે માત્ર પ્રસંગોપાત નહીં, પરંતુ નિરંતર અને અસરકારક દેખરેખ અત્યંત આવશ્યક છે, જેથી આવી અસ્વચ્છ પરિસ્થિતિઓથી થતા રોગચાળાને અટકાવી શકાય.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:53 am, Wed, 7 January 26