સુરતમાં યુવક રીક્ષામાં 7.50 લાખના મુદ્દામાલ ભરેલી બેગ ભૂલી ગયો, પોલીસે ગણતરીના કલાકોમાં શોધી આપી
સુરતમાં (Surat) રીક્ષામાં મુસાફરી કરી રહેલી વ્યક્તિ રીક્ષામાં ડ્રોન કેમેરા સહિત 7.50 લાખની કિંમતની સામગ્રી ભરેલી બેગ રીક્ષામાં ભૂલી ગયો હતો. વ્યક્તિને યાદ આવતા જ તેણે તાત્કાલિક સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો.
સુરત પોલીસની ખૂબ જ સરાહનીય કામગીરી સામે આવી છે. લાખો રુપિયા ભરેલી બેગ ભુલી ગયેલા એક વ્યક્તિને પોલીસે ગણતરીના કલાકોમાં જ તેની રુપિયા ભરેલી બેગ પરત અપાવી દીધી છે. સુરતમાં રીક્ષામાં મુસાફરી કરી રહેલી વ્યક્તિ રીક્ષામાં ડ્રોન કેમેરા સહિત 7.50 લાખની કિંમતની સામગ્રી ભરેલી બેગ રીક્ષામાં ભૂલી ગયો હતો. અલબત જ્યારે વ્યક્તિને યાદ આવતા જ તેણે તાત્કાલિક સુરત પોલીસ નો સંપર્ક કર્યો હતો. આમ મહિધરપુરા પોલીસે આ મામલે અલગ અલગ ટીમ બનાવી રીક્ષાની ઓળખ કરી મૂળ માલિકને તમામ વસ્તુઓ પરત કરી આપી હતી.
યુવક લાખો રુપિયાની મુદ્દામાલ ભરેલી બેગ ભૂલી ગયો
સુરત જિલ્લાના માંડવી તાલુકા ખાતે રહેતા 21 વર્ષીય યવક કૃતિક કુમાર જયેશભાઈ ખત્રી કામ અર્થે સુરત આવ્યો હતો. તે સવારે 9 વાગ્યાના અરસામાં ઉધના મઢીની ખમણી પાસેથી રિક્ષામાં બેસી સુરત બસ સ્ટેન્ડ આવવા માટે નીકળ્યો હતો. તે બસ સ્ટેન્ડ પાસે આવેલી મોહનની મીઠાઈ દુકાન પાસે ઉતરી ગયો હતો. આ દરમિયાન તે રીક્ષામાં ડ્રોન કેમેરો તેની એસેસરીઝ બેટરી સહિત 7.50 લાખની કિંમતની બેગ રીક્ષામાં જ ભૂલી ગયો હતો. જે તેને થોડી વાર પછી ધ્યાન આવ્યુ હતુ.
પોલીસે CCTVના આધારે રીક્ષા ચાલકને શોધ્યો
આ ઘટના બાદ યુવક તાત્કાલિક મહિધરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો અને સમગ્ર બનાવવાની જાણ પોલીસને કરી હતી. બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. યુવક જે જગ્યાએથી રિક્ષામાં ઉતાર્યો હતો, તે જગ્યાના સીસીટીવી ફુટેજ મેળવી તેના આધારે રીક્ષા નંબર મેળવ્યો હતો. જે પછી પોલીસ તપાસ કરીને રીક્ષા ચાલકની માહિતી મેળવી રીક્ષાચાલક સુધી પહોંચી હતી. રીક્ષા ચાલકે ભૂલાઈ ગયેલો સામાન પોતાની પાસે જ હોવાનું પોલીસને જણાવ્યું હતું. જેથી પોલીસે તમામ મુદ્દામાલ ભરેલી બેગ કબ્જે કરી મૂળ માલિકને પરત કરી હતી.
બેંગલુરુમાંથી ચોરી કરી ભાગી જનારો આરોપી ઝડપાયો
બીજી તરફ સુરતની સારોલી પોલીસ વાહન ચેકીંગમાં બેંગલુરુમાંથી ચોરી કરી ભાગી જનારા આરોપીને ઝડપી પાડ્યો છે. આ દરમ્યાન બેંગલુરુના યશવંત પુરામાં ચોરી કરી નાસી છૂટેલા આરોપીને ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી સાથે સરથાણા પોલીસે બેંગલુરુ પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની વિગત મુજબ દાહોદ જિલ્લાનો વતની માજુ ભુરિયા બેંગલુરુના યશવંતપુરા ખાતે રહેતો હતો ત્યાં થોડા દિવસ પહેલા દિવસ દરમ્યાન ઘરની રેકી કરી રાત્રીના સમયે દરવાજાના લોક તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા દાગીનાની ચોરી કરતો હતો.