આગામી તારીખ 21 જુનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ(World Yoga Day ) અંતર્ગત સુરત મનપા(SMC) દ્વારા આઝાદી કા અમૃતમહોત્સવ નિમિત્તે ભારત સરકાર(Government ) તથા રાજ્ય સરકારના ‘માનવતા માટે યોગા’ની થીમ સાથે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત-ડુમસ રોડ પ૨ ઓએનજીસી બ્રિજથી સુરત એરપોર્ટ સુધીના આઇકોનિક રોડ પ૨ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. ડુમસથી સુરત તરફ આવતાં રોડ પર સવારે પોણા છ વાગ્યાથી 7.45 વાગ્યા સુધી વિશ્વ યોગા દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ યોગા છે. આ યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તેમજ માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની – 69મી સામાન્ય સભા સામે 21 જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા તેને મંજુરી આપવામાં આવતા સમગ્ર વિશ્વમાં તારીખ 21 જૂનના દિવસને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ-2015થી દર વર્ષ તારીખ 21 જૂનના રોજથી જુદી જુદી થીમ પર આ દિવસ ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર અને રાજય સરકારના ‘‘માનવતા માટે યોગા (Yoga for Humanity)ના થીમ સાથે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા તારીખ 21 જૂનના રોજ સવારે 5.45 વાગ્યાથી સવારે 7.45 દરમ્યાન મેયર હેમાલી બોઘાવાલાની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકા કક્ષાના ‘‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ‘ની ઉજવણી સુરત એરપોર્ટ આઇકોનીક રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ શહેરના વિવિધ વોર્ડમાં પણ મનપા દ્વારા યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મનપા દ્વારા આયોજીત કાર્યક્રમમાં 18 હજારથી વધુ લોકો ભાગ લેશે.
તદ્ઉપરાંત શિક્ષણ સમિતિ હસ્તકની 334 શાળાઓ અને 16 સુમન શાળાઓ ખાતે પણ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ ઝોન વિસ્તારોમાં યોગના સેન્ટરો ખાતે માસ્ટર ટ્રેઇનરો ઉપલબ્ધ કરાવવા આર્ટ ઓફ લિવિંગ, પતંજલિ યોગ સંસ્થા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે.