Surat: જુલાઈ 2021 પહેલાનું જૂનું પેમેન્ટ નહીં કરનાર કાપડના વેપારીઓ સાથે વેપાર નહીં થાય, ટેક્સ્ટાઈલ ટ્રેડર્સ એસોસિએશનનો આકરો નિર્ણય
ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોના વેપારીઓ પાસે કોરોનાકાળ દરમ્યાનનું કરોડો રૂપિયાનું પેમેન્ટ ફસાઈ ગયું છે. બીજી તરફ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, પ્રોસેસિંગ ચાર્જ, જોબવર્ક ચાર્જ અને પેકેજીંગ ચાર્જ પણ વધ્યો છે, ત્યારે ફાઈનલ પ્રોડક્ટ ખુબ મોંઘી પડી રહી છે. તેવા સમયે જુના પેમેન્ટ સામે નવો માલ માંગનાર વેપારી સાથે વેપાર ટાળવો જોઈએ.
દિવાળીની (Diwali) સિઝન શરૂ થાય તે પહેલા જ કાપડ માર્કેટમાં (Textile Market) શરૂ થયેલી તેજી ચાલુ રહેતા વેપારીઓને કોરોનાના દોઢ વર્ષ પછી સારો વેપાર થવાની આશા જાગી છે. અત્યારે દિવાળી, છઠપૂજા જેવા તહેવારો અને લગ્નસરાની ખરીદી ચાલતી હોવાથી માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. બીજી તરફ સ્થાનિક અને બહારગામના કેટલાક કાપડના વેપારીઓ જૂનું પેમેન્ટ ચૂકવવા માટે નવો માલ આપવા માટેની શરતો મૂકી રહ્યા છે.
જોકે આ વાતને લઈને સાઉથ ગુજરાત ટેક્સ્ટાઈલ ટ્રેડર્સ એસોસિએશને આકરો નિર્ણય લીધો છે. એસોસિએશનના પ્રમુખના જણાવ્યા પ્રમાણે વેપારીઓને ચેતવવામાં આવ્યા છે. તેમને નવી ઉધારી કરવા ટાળવા માટે અથવા દૂર રહેવા જણાવ્યું છે. જે વેપારીઓ જુલ 2021 સુધીનું પેમેન્ટ ચૂકતે ન કરે તેવા વેપારીઓ સાથે વેપાર અટકાવી દેવો પડશે.
કોરોનાની બીજી લહેરને કારણે સુરતની કાપડ માર્કેટ દ્વારા લગ્નસરા, રમઝાન ઈદ જેવી સિઝનનો વેપાર ગુમાવવો પડ્યો હતો. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવા છતાં યુનિફોર્મનો વેપાર પણ ગુમાવવો પડ્યો હતો. હવે જ્યારે બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જુના વેપારધારા પ્રમાણે વેપારીઓએ વેપાર કરતા અટકવું જોઈએ તેવી અપીલ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.
સ્થાનિક અને બહારગામના કેટલાક વેપારીઓ જૂની ખરીદીનું બિલ અટકાવીને નવો માલ મોકલવાની અને જૂનું પેમેન્ટ લેવાની અવ્યવહારિક શરતો કરી રહ્યા છે. આવા લેભાગુ વેપારીઓ કે જેઓ વેપારીની મજબુરીનો લાભ ઉઠાવતા હોય છે તેવા વેપારીઓ સાથે વેપાર ન કરવા સાઉથ ગુજરાત ટ્રેડર્સ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે.
ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોના વેપારીઓ કોરોનાકાળ દરમ્યાનનું કરોડો રૂપિયાનું પેમેન્ટ ફસાઈ ગયું છે. બીજી તરફ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, પ્રોસેસિંગ ચાર્જ, જોબવર્ક ચાર્જ અને પેકેજીંગ ચાર્જ પણ વધ્યો છે, ત્યારે ફાઈનલ પ્રોડક્ટ ખુબ મોંઘી પડી રહી છે. તેવા સમયે જુના પેમેન્ટ સામે નવો માલ માંગનાર વેપારી સાથે વેપાર ટાળવો જોઈએ.
જુલાઈ 2021 સુધીનું જૂનું પેમેન્ટ જે કોઈ વેપારી નહીં ચૂકવે તેની સાથે એસોસિએશન સાથે સંકળાયેલા વેપારીઓ વેપાર કરશે નહીં અને સોશિયલ મીડિયામાં વેપારીઓ દ્વારા પેમેન્ટ દબાવીને બેસેલા લેભાગુ વેપારીઓની વિગતો જાહેર કરી દેવામાં આવશે, તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.
આ પણ વાંચો : અમેરિકામાં 5-11 વર્ષના બાળકો માટે ફાઈઝરની કોરોના રસીને ટૂંક સમયમાં મળી શકે છે મંજૂરી, FDA સમિતિએ આપી સંહમતિ
આ પણ વાંચો : Video: આ વ્યક્તિએ દુધમાં ટૂથ પેસ્ટ નાખીને બનાવી કોફી, આ વિચિત્ર રેસિપી જોઈને તમે પણ માથુ પકડી લેશો