તક્ષશિલા અગ્નિકાંડ : 22 બાળકોના વાલીઓની ન્યાય માટેની આગ 2 વર્ષ બાદ પણ નથી બુઝાઈ
takshashila fire tragedy : વાલીઓનું કહેવું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ પોતાની લડત ચાલુ રાખશે. તક્ષશિલાની રાખ ભલે ઠંડી થઈ ગઈ છે, પરંતુ તેમના ક્લેજાની આગ હજી બુઝાઈ શકી નથી.

Surat Takshashila Complex Fire Accident : સુરત માટે કલંક સમાન તક્ષશિલા અગ્નિ કાંડ ને (takshashila fire tragedy) આજે બે વર્ષ પૂર્ણ થયા છે. આ અગ્નિકાંડમાં ( fire tragedy) માર્યા ગયેલા 22 બાળકો ની યાદમાં આજે વાલીઓએ આ અગ્નિ કાંડ જ્યાં થયો હતો તે સ્થળે બાળકોને શ્રધ્ધાંજલિ આપી હતી.
રડતી આંખો દ્વારા વાલીઓ દ્વારા તેમના સંતાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અત્યાર સુધી આ કેસમાં સંડોવાયેલા 14 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ તેમાંથી નવ આરોપીઓને તો જામીન મળી ગયા છે. અને તેઓ પોતાની ફરજ પર હાજર પણ થઈ ગયા છે, જ્યારે પાંચ આરોપીઓ હજી પણ જેલમાં છે.

તમામ પરિસ્થિતિ વચ્ચે બાળકો ગુમાવનારા વાલીઓ ઘટનાના દિવસે જ્યાં ઉભા હતા આજે પણ ત્યાં જ ઉભા છે, કારણ કે તેમને હજી પણ ન્યાયની અપેક્ષા છે. વાલીઓનો રોષ બે વર્ષ બાદ પણ શમ્યો નથી.
આ અગ્નિકાંડમાં માર્યા ગયેલ ગ્રીષ્મા ગજેરાના પિતા જયસુખ ગજેરાએ જણાવ્યું છે કે, તક્ષશિલા અગ્નિ કાંડમાં અઢી વર્ષથી લઈને 22 વર્ષના નિર્દોષ બાળકોનો ભોગ લેવાયા છે. ઘટનાના દિવસે સરકારે સંવેદનશીલતા બતાવી હતી અને ઘટનામાં સંડોવાયેલા જવાબદાર છોડવામાં નહીં આવે તેવી જાહેરાત કરી હતી. પરંતુ અત્યાર સુધી જવાબદાર મોટા અધિકારી અને બક્ષી દેવામાં આવ્યા છે, અને ફક્ત નાના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

અત્યાર સુધી વાલીઓએ સુપ્રીમ કોર્ટમાં દસ વખત, હાઇકોર્ટમાં 100 થી વધુ વખત અને સેશન્સ કોર્ટમાં અસંખ્ય વખત ન્યાય માટે ધક્કા ખાધા છે. સરકાર જો ખરેખર સંવેદનશીલ હોય તો, આ કેસમાં હસ્તક્ષેપ કરીને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવે.
વાલીઓનું કહેવું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ પોતાની લડત ચાલુ રાખશે. તક્ષશિલાની રાખ ભલે ઠંડી થઈ ગઈ છે, પરંતુ તેમના ક્લેજાની આગ હજી બુઝાઈ શકી નથી.