સુરત મહાનગર પાલિકાના(SMC) વોટર વર્ક્સ, ઈન્ટેક વેલ અને જળ વિતરણ મથક ખાતે હાલમાં કાર્યરત ક્લોરીનેશન(Chlorination ) સિસ્ટમમાં ઓટો શટ ઓફ વાલ્વ સહિત ક્લોરીન ગેસ(Gas ) સ્ક્રબર સિસ્ટમ સ્થાપિત કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. અંદાજે 21 કરોડ રૂપિયાના ખર્ચે આ સુવિધા ઉભી કરવા સંદર્ભેની દરખાસ્ત પાણી સમિતિ દ્વારા રજુ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સુરત શહેરમાં આવેલા આઠ ઈન્ટેક વેલ, આઠ જળ શુદ્ધિકરણ પ્લાન્ટ અને 39 જળ વિતરણ મથકોમાં બે અલગ – અલગ તબક્કામાં આ કામગીરી હાથ ધરવામાં આવશે.
શહેરીજનોને તાપી નદીમાંથી પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પાણીની ગુણવત્તા જાળવવા મહાનગર પાલિકા દ્વારા ક્લોરીન પ્લાન્ટો મારફતે ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવે છે. જો કે, આ કામગીરી દરમ્યાન ક્લોરીન ગેસનો ઉપયોગ કરવામાં આવતો હોવાને કારણે ગેસ લીકેજ થવાની સ્થિતિમાં જાન – માલને નુકસાન થવાની પ્રબળ શક્યતાઓ રહેલી હોય છે. આ સિવાય ફેકટરી એક્ટ અંતર્ગત પણ ક્લોરીન લીકેજ હેન્ડલીંગ સિસ્ટમ જરૂરી હોવાને કારણે હવે મહાનગર પાલિકા દ્વારા આ દિશામાં તબક્કાવાર રીતે સ્ક્રબર સિસ્ટમ ઈન્સ્ટોલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ અમદાવાદ અને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આ સુવિધા ઉભી કરવામાં આવી છે.
ખાસ કરીને રહેણાંક વિસ્તારોની આસપાસ આવેલા જળ વિતરણ મથકોમાં ક્લોરીન ગેસ ગળતરની શક્યતાને ધ્યાને રાખીને પ્રાથમિકતાના ધોરણે ગેસ સ્ક્રબર સિસ્ટમ સ્થાપિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને પહેલા તબક્કાની કામગીરીમાં શહેરના તમામ વોટર વર્ક્સ અને રહેણાંક વિસ્તારથી ઘેરાયેલા જળ વિતરણ મથકોમાં આ સુવિધા ઉભી કરવામાં આવશે. આ સુવિધા ઉભી થયા બાદ જળ વિતરણ મથકો સહિત વોટર વર્ક્સ અને ઈન્ટેક વેલમાં સંભવિત ક્લોરીન ગેસ લીકેજ જેવી ઘટના દરમ્યાન ગેસ સ્ક્રબર સિસ્ટમ ખુબ આર્શીવાદ રૂપ સાબિત થશે અને કોઈપણ પ્રકારની જાનહાનિની સંભાવના નહિવત્ રહેવા પામે છે.