Surat: ડુમસ રોડ પર લોખંડની ગ્રીલ માટે બનાવવામાં આવેલા પથ્થરો નોતરી રહ્યા છે અકસ્માત, કાયમી ઉકેલ લાવવા રજુઆત
પાલ ઉમરા તાપી પુલના એસવીએનઆઈટી જંકશનથી રાહુલ રાજ મોલ સુધીના ગૌરવ પથ પર પુર ઝડપે જતા વાહનો ઘણી વખત અકસ્માતનો ભોગ બને છે. દર મહિને કાર પલટી મારવાના બેથી ચાર બનાવ નોંધાય છે.

સુરત ડુમસ (Dumas) રોડ પર એસવીએનઆઈટી જંકશનથી રાહુલ રાજ મોલ સુધી સીસીરોડને સમાંતર પથ્થર (Stone) મુકી બીઆરટીએસની લોખંડની ગ્રીલ (Grill) નાખવામા આવી છે. પરંતુ પથ્થરને કારણે દર મહિને બે ચાર ગંભીર અકસ્માત સર્જાતા હોવાથી તાકીદે તેને દુર કરવા સ્થાયી સમિતિની બેઠકમાં રજુઆત કરવામાં આવી છે.
પાલ ઉમરા તાપી પુલના એસવીએનઆઈટી જંકશનથી રાહુલ રાજ મોલ સુધીના ગૌરવ પથ પર પુર ઝડપે જતા વાહનો ઘણી વખત અકસ્માતનો ભોગ બને છે. દર મહિને કાર પલટી મારવાના બેથી ચાર બનાવ નોંધાય છે. સ્થાયી સમિતિની બેઠકમાં કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે આ મુદ્દો ઉઠાવી રજુઆત કરી હતી કે સિમેન્ટ કોન્ક્રીટના રસ્તા પર લોખંડની ગ્રીલ નાખવા માટે તોડફોડ કરવી નહીં પડે તે માટે પત્થરમાં લોખડની ગ્રીલ નાખવામાં આવી છે. ગૌરવ પથ પર પુર ઝડપે જતા વાહનો અજાણતા પથ્થર સાથે અથડાય છે, જેને કારણે કાર પલટી મારી જાય છે.
છાશવારે આ પ્રકારે અકસ્મતાની ઘટના બને છે. કારના ટાયર પથ્થરમાં ફસાઈ જવાથી અકસ્માત સર્જાય છે. આખા રોડ પર કેટલીક જગ્યાએ અકસ્માતને કારણે પથ્થર તુટી ગયા છે એટલું જ નહીં લોખંડની ગ્રીલ તુટી છે. ઝીરો અવર્સ દરમિયાન ભાજપના કોર્પોરેટરે રજુઆત કરી હતી કે એસવીએનઆઈટીથી રાહુલ રાજ મોલ સુધીના ગૌરવ પથ પર પથ્થર દુર કરી સીસી રોડમાં લોખંડની રેલીંગ નાખી અકસ્માતો ટાળવા માટે પ્રયાસ કરવો જોઈએ.
હાલમાં એરપોર્ટથી એસવીએનઆઈટી સુધીના ભાગમાં સીસી રોડ રીપેરીંગની કામગીરી શરુ ક૨વામાં આવી છે. આ કામગીરી અંતર્ગત જ લોખંડની રેલીંગનો પ્રશ્ન ઉકેલી કામગીરી કરાવી લેવી જોઈએ. સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે આરડીડી અને બીઆરટીસ વિભાગના સંકલનમાં આ પ્રશ્ન ઉકેલવા તાકીદ કરી હતી.
નોંધનીય છે કે ગૌરવપથ રોડ પર ખાસ કરીને વિકેન્ડમાં હરવા ફરવા જવા માટે જનારો વર્ગ મોટો છે. રસ્તો પહોળો હોવાના કારણે લોકો અહીં પુરપાટ ઝડપે વાહન પણ હંકારે છે પણ ડિવાઈડર પર પથ્થરને કારણે અકસ્માત સર્જાતા હોવાનું ધ્યાને આવતા તેને દૂર કરીને લોખંડની રેલિંગ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.