સુરતમાં પરિવારે પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ, પછી જે થયું તે જાણીને ચોંકી જશો!

| Updated on: Mar 07, 2026 | 10:49 AM

સુરતના પુણા વિસ્તારમાં એક પરિવારે પૂજા સામગ્રી સાથે અજાણતા જ ₹2 લાખ કેનાલમાં પધરાવી દીધા, પરંતુ પછી જે થયું તે જોઈ પરિવારજની સાથે આસપાસના લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા.

સુરત શહેરના પુણા વિસ્તારમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક પરિવારે પૂજા સામગ્રી સાથે ભૂલથી બે લાખ રૂપિયા કેનાલના પાણીમાં પધરાવી દીધા હતા. આ ઘટનાથી પરિવારજનોમાં હડકંપ મચી ગયો હતો. રુપિયા પાણીમાં પડી ગયા બાદ પરિવારને ભાન થયુ કે પૂજા સામગ્રી સાથે રુપિયા પણ વહી ગયા છે.

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ પુણા વિસ્તારમાં રહેતા લીંબા પરિવારે પૂજા પૂર્ણ કર્યા બાદ સામગ્રી અને ફૂલોને કબાટની તિજોરી પાસે રાખ્યા હતા. ત્યારબાદ પૂજાની સામગ્રીને એકત્ર કરીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી કેનાલમાં પધરાવવા ગયા હતા.આ દરમિયાન ભૂલથી પ્લાસ્ટિકની થેલીમાં રાખેલા ₹500 રૂપિયાના નોટોના ચાર બંડલ પણ પૂજા સામગ્રી સાથે જ રહી ગયા હતા. પરિવારજનોને ખબર ન રહી અને પૂજા સામગ્રી સાથે કુલ બે લાખ રૂપિયા પણ પુણા કેનાલમાં પધરાવી દીધા હતા.

રુપિયાનું કરાયુ રેસ્ક્યૂ!

થોડા સમય બાદ પરિવારને ખબર પડી કે પૂજા સામગ્રી સાથે મોટી રકમ પણ પાણીમાં નાખી દીધી છે. ત્યારબાદ પરિવારજનો ગભરાઈ ગયા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી. માહિતી મળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓ કેનાલના પાણીમાં ઊતરી ભારે જહેમત બાદ શોધખોળ હાથ ધરી હતી. લાંબા પ્રયત્નો પછી પાણીમાંથી તમામ રકમ શોધી કાઢવામાં સફળતા મળી હતી.

અંતે ફાયર વિભાગે પાણીમાંથી મળેલી બે લાખ રૂપિયાની રકમ સલામત રીતે પરિવારને પરત સોંપી હતી. ફાયર વિભાગની આ કામગીરીથી પરિવારજનોને મોટી રાહત મળી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us