Surat : વાડિયા વિમેન્સ કોલેજમાં પેપર લીકમાં આચાર્ય સસ્પેન્ડ, આચાર્ય મંડળે કહ્યું, આ માનવીય ભૂલ છે પોલીસ તપાસ કરાવી યોગ્ય નથી
કોલેજના આચાર્ય મંડળ (Acharya Mandal) દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ એક માનવીય ભૂલ હોય તેની માટે પોલીસ તપાસ કરાવી યોગ્ય નથી. આ ઘટના માટે માનવીય વલણ અપનાવવા રજૂઆત કરી હતી.
સુરત (Surat) માં વાડિયા વિમેન્સ કોલેજ (college) માં પેપર લીક (question paper leak) ઘટના સંદર્ભે કોલેજના આચાર્ય સહિત 12 વ્યક્તિઓને પરીક્ષાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પોલીસ કાર્યવાહી કરવા અરજી કરવામાં આવી હતી. આ સંદર્ભે કોલેજના આચાર્ય મંડળ (Acharya Mandal) દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોલેજના આચાર્યને સસ્પેન્ડ કરવા અને પોલીસ કાર્યવાહી કરવા સંદર્ભે નારાજગી વ્યક્ત કરી હતી. આચાર્ય મંડળે આ સમગ્ર ઘટનાને માનવીય ભૂલ આ ગણાવી હતી.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બી.કોમ સેમેસ્ટર-6 અર્થશાસ્ત્ર, બીએ સેમેસ્ટર-6 ગુજરાતી, અંગ્રેજી, ઇતિહાસ અને હોમ સાયન્સના પાંચ પ્રશ્નપત્રોના બંડલ પરીક્ષાના એક દિવસ અગાઉ વાડિયા વિમેન્સ કોલેજ ખાતે ખુલી ગયા હતા. જેને પગલે 20મી એપ્રિલના રોજ આ પાંચેય પરીક્ષા રદ કરવામાં આવી હતી. તપાસ કમિટી નિમવામાં આવી હતી અને તપાસનો રિપોર્ટ યુનિવર્સિટીને સોંપવામાં આવ્યો છે. પોલીસ કાર્યવાહી થાય તે માટે યુનિવર્સિટી દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી.
આ ઘટનાને પગલે કોલેજના આચાર્ય ડો. અશોક દેસાઇ, પરીક્ષા સુપ્રિટેન્ડન્ટ ડો. ભરત ભંડારી, ડો. કે સી પટેલ સહિતનાં 12 વ્યક્તિઓને પરીક્ષાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કોલેજ આચાર્ય મંડળના પ્રમુખ વાડિયા વિમેન્સ કોલેજના આચાર્ય ડો. અશોક દેસાઇ છે. આથી મંડળના 12 સભ્યો દ્વારા કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ આવેદનપત્રમાં લખવામાં આવ્યું હતું કે આ એક માનવીય ભૂલ છે. જે શરતચૂકથી થઈ હતી. તેના માટે કોલેજના આચાર્યને સસ્પેન્ડ કરવા જોઇએ નહીં, કારણ કે જે દિવસ આ ઘટના બની તે દિવસે કોલેજના આચાર્ય યુનિવર્સિટીની બીજી કામગીરી માટે ગયા હતા.
આચાર્યને બંડલ ખુલી ગયા હતા તે અંગે જાણ કરવામાં આવી નહીં હતી. કોલેજમાં નીચેની વ્યક્તિઓ ભૂલ કરે તેના માટે આચાર્યને જવાબદાર ઠેરવી શકાય નહીં. આ એક માનવીય ભૂલ હોય તેની માટે પોલીસ તપાસ કરાવી યોગ્ય નથી. આ ઘટના માટે માનવીય વલણ અપનાવવા રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે કમિટી નિમવામાં આવી હતી અને તપાસનો રિપોર્ટ યુનિવર્સિટીને સોંપવામાં આવ્યો છે. પોલીસ કાર્યવાહી થાય તે માટે યુનિવર્સિટી દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી.
https://www.youtube.com/watch?v=oxlvfP42Xcg