Surat: સુરત પોલીસની ડોગ સ્ક્વોડમાં ફરજ બજાવતા ‘પ્રિન્સ’ અને ‘અરુણા’ નિવૃત્ત : સુરત પોલીસે યોજ્યો વિદાય સમારંભ
આ બંને શ્વાનના વિદાય વખતે પોલીસ અધિકારીઓ અને આ શ્વાનના હેન્ડલરે તેઓની કામગીરીને યાદ કરીને બિરદાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે શહેરના ઘણા ગુનાઓ ઉકેલવામાં આ શ્વાનો એ તેમને એક સાથીની જેમ મદદ કરી છે.
અત્યાર સુધી તમે પોલીસ અધિકારીઓ કે ઉચ્ચ અધિકારીઓના નિવૃત (retired) થવા પર રિટાયરમેન્ટ વખતે વિદાય સમારંભના કાર્યક્રમો જોયા હશે. પણ શું તમે જ્યારે શ્વાનનો વિદાય સમારંભ જોયો છે ? આજે સુરત (Surat) પોલીસ (Police) ની સાથે ડોગ સ્ક્વોડ (Dog Squad) માં સેવા આપનાર વફાદાર બે શ્વાનના વિદાય સમારંભ (Farewell Ceremony) રાખવામાં આવ્યો હતો. જેમને પોલીસ અધિકારીઓએ ભીની આંખે વિદાય આપી હતી.
અહીં વાત છે પ્રિન્સ અને અરુણાની. જે કોઈ વ્યક્તિ નથી, પરંતુ સુરત પોલીસના બે વફાદાર શ્વાન છે. જેઓ નિવૃત થયા હતા. શહેરમાં જ્યારે પણ હત્યા કે લૂંટ જેવી ઘટના બને ત્યારે ડોબરમેન બિડનો પ્રિન્સ તેના હેન્ડલર કનૈયાભાઇ સાથે હંમેશાં જોવા મળતો હતો .
છેલ્લે 2021 માં પ્રિન્સે દામકા ગામે એક ખૂન કેસમાં મહત્વનો રોલ ભજવ્યો હતો. અહીં રહેતાં આધેડની હત્યા કરી દેવાઇ હતી. મૃતકના ગળામાંથી તેમની પત્નીનો જ દુપટ્ટો મળ્યો હતો. જોકે આ દુપટ્ટો સૂંઘીને પ્રિન્સ સીધો જ 10 લોકોની વચ્ચે ઉભા રહેલાં મૃતકના પુત્ર પાસે જઇ ઉભો રહ્યો હતો અને તેને જોઇને ભસતા પોલીસનું કામ સરળ કરી આપ્યું હતું. તે પહેલાં 2013 માં સચીન જી.આઇ.ડી.સી.માં ચોરી કરીને જે મકાનમાં માલ છુપાવ્યો હતો ત્યાં પણ પહોંચીને ચોરનો પર્દાફાશ કર્યો હતો .
આજે આ બંને શ્વાનના વિદાય વખતે પોલીસ અધિકારીઓ અને આ શ્વાનના હેન્ડલરે તેઓની કામગીરીને યાદ કરીને બિરદાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે શહેરના ઘણા ગુનાઓ ઉકેલવા આ શ્વાનો એ તેમને એક સાથીની જેમ મદદ કરી છે. તેમના રિટાયરમેન્ટ બાદ તેમની કમી પોલીસ ડિપાર્ટમેન્ટને હંમેશા રહેશે.
2010માં પોલીસ વિભાગમાં ભરતી કરાયેલાં આ પ્રિન્સની સાથે જ સ્નીફર ડોગ અરૂણા પણ 12 વર્ષની થતાં સેવા નિવૃત્ત કરાઇ હતી .વી.વી.આઇ.પી. બંદોબસ્ત તથા વિવિધ સ્થળે બોંબ શોધવા ટ્રેઇન કરાયેલી આ લાબ્રાડોર બિડની અરૂણાની પણ કામગીરી પ્રશંસનીય રહી હતી . બંનેને આણંદમાં બનાવવામાં આવેલા પ્રાણીઓના સ્પેશિયલ ઘરડાંઘરમાં મોકલાયાં હતાં.
આ પણ વાંચોઃ ST બસમાં અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચારઃ જાણો, પાસ નિઃશુલ્ક કરવા અંગે શું કર્યું પૂર્ણેશ મોદીએ