Surat : ડુમસ બીચ પર યોજાનાર નેશનલ ગેમ્સના આયોજનની તડામાર તૈયારીઓ શરૂ, પ્રિ ઇવેન્ટ પણ સુરતમાં યોજાશે
આગામી તારીખ 18મી થી 20 સપ્ટેમ્બર દરમ્યાન સુરત ખાતે નેશનલ ગેમ્સનું પ્રિ-ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે.
સુરતના (Surat )આંગણે પહેલી વાર યોજાનાર બીચ(Beach ) વોલીબોલ, બીચ હેન્ડ બોલ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન નેશનલ(National ) ગેમ્સના આયોજનને પગલે તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. જેના ભાગરૂપે સુરતના પ્રભારી સચિવ એમ. થેન્નારસન સહિતના અધિકારીઓ દ્વારા ડુમસ સહિતના સ્થળોની વિઝીટ હાથ ધરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાની સહિતના અધિકારીઓ સાથે નેશનલ ગેમ્સના આયોજન સંદર્ભે ઉચ્ચસ્તરીય બેઠકનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
સાત વર્ષ બાદ દેશમાં નેશનલ ગેમ્સનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જોકે, આ વર્ષે નેશનલ ગેમ્સના યજમાન તરીકે ગુજરાતની પસંદગી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગર સહિત સુરત શહેરમાં પણ અલગ અલગ 36 જેટલી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં નેશનલ ગેમ્સના આયોજનના ભાગરૂપે પહેલી જ વાર રમાનારી બીચ વોલીબોલ, બીચ હેન્ડ બોલ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન જેવી વિવિધ સ્પર્ધામાં દેશભરના ખેલાડીઓ ભાગ લેશે. બીચ વોલીબોલ અને બીચ હેન્ડ બોલ માટે ડુમસની પસંદગી કરવામાં આવી હોવાને કારણે સુરતના પ્રભારી સચિવ એમ. થેન્નારસન સહિત નેશનલ ગેમ્સના આયોજન સાથે સંકળાયેલા ઉચ્ચાધિકારીઓ દ્વારા સાઈટ વિઝીટ કરવામાં આવી હતી
જેમાં સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછાનીધિ પાની સહિત મનપાના ઉચ્ચાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ડુમસ ખાતે સ્થળ મુલાકાત કર્યા બાદ સ્પોર્ટ્સ કાર્નિવલનું જ્યાં આયોજન કરવામાં આવનાર છે તે આઈકોનિક રોડની પણ મુલાકાત લેવામાં આવી હતી. તે બાદ સુડા ઓફિસ ખાતે થેન્નારસન સહિત મનપા – કલેકટરના ઉચ્ચાધિકારીઓ ખાતે નેશનલ ગેમ્સના આયોજન સંદર્ભેની એક મહત્વપૂર્ણ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત ખાતે યોજાવા જઈ રહેલ ચારેય નેશનલ ગેમ્સના આયોજન માટેની તૈયારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
18થી 20 સપ્ટેમ્બરે પ્રિ-ઈવેન્ટનું આયોજન
સુરત કોર્પોરેશન દ્વારા નેશનલ ગેમ્સના આયોજન માટેની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આગામી તારીખ 18મી થી 20 સપ્ટેમ્બર દરમ્યાન સુરત ખાતે નેશનલ ગેમ્સનું પ્રિ-ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે. આ માટે મહાનગર પાલિકા દ્વારા અલગ – અલગ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રિ-ઈવેન્ટની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે સુરત પ્રભારી થેન્નારસનની મુલાકાત દરમ્યાન સુરત શહેરમાં નેશનલ ગેમ્સના આયોજન અંગે બેઠક કરવામાં આવી હતી. જે દરમ્યાન પ્રિ-ઈવેન્ટ અંગેની પણ ચર્ચા – વિચારણા હાથ ધરવામાં આવી હતી.