
ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત પોલીસ કમિશનરને પત્ર લખી આરોપ મૂક્યો છે કે, સરથાણા પોલીસ મથકે 8 લાખ રૂપિયાનો તોડ કર્યો છે. તેમણે આ મામલામાં તોડ કરનારા પોલીસકર્મીઓ સામે કાયદેસર કાર્યવાહી કરીને “તોડબાજ પોલીસકર્મીઓનું સરઘસ કાઢવા”ની માંગ કરી છે.
મુંબઈની જાણીતી ફિનાઈલ કંપનીએ કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ લગાવતા સરથાણા પોલીસે સીમાડા કેનાલ રોડ પર આવેલા આરના એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. અહીંથી 3.31 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હોવા છતાં ધારાસભ્ય કાનાણીના દાવા મુજબ ગોડાઉનમાં 20 લાખથી વધુનો મુદ્દામાલ હતો, જેમાંથી મોટો હિસ્સો ગોડાઉનમાંથી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યો હતો.
આ કેસમાં આરના એન્ટરપ્રાઈઝના ત્રણ માલિકો હોવા છતાં માત્ર એક માલિક સામે જ FIR નોંધી હતી. આ ઘટના બાદ તોડના 8 લાખ રૂપિયા હેડ કોન્સ્ટેબલ સ્કોડા કારમાં લઈને જતો રહ્યો હતો, એવો આક્ષેપ પણ પત્રમાં કરાયો છે.
કાનાણીએ પત્રમાં આરોપ મૂક્યો કે, પોલીસે ગલીના ગુંડા જેવો હપ્તો વસૂલ્યો છે અને માલિકોને દબાવીને કરોડો રૂપિયાનું ઉઘરાણું કર્યું છે. તેઓએ સીસીટીવી ફૂટેજ અને ગોડાઉન માલિકોની પૂછપરછ કરાવવા માટે પણ અનુરોધ કર્યો છે, જેથી સત્ય સામે આવી શકે.
તોડકાંડનો વિવાદ વધુ વકરતા 2 મહિના બાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે DCP (ઝોન-1) આલોક કુમારને તપાસના આદેશ આપ્યા છે. DCP આલોક કુમારે જણાવ્યું કે, ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે પેપર અને પુરાવાઓની તપાસ હાથ ધરવામાં આવી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો તોડબાજ પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી થશે.
આ સમગ્ર મામલે નહેરવાળી મેલડી માતાના મંદિર પાસેના સરકારી સીસીટીવી ફૂટેજ અને આજુબાજુના ગોડાઉનના સીસીટીવી ફૂટેજ સમગ્ર કાંડને ખુલ્લો પાડવા માટે મહત્વપૂર્ણ પુરાવા સાબિત થઈ શકે છે.
હવે તમામ દાવાઓ અને પુરાવાઓની પુષ્ટિ માટે DCP દ્વારા સચોટ તપાસ બાદ રિપોર્ટ રજૂ કરાશે, જેનાથી સમગ્ર મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.