સુરતમાં (Surat) મોર્નિંગ વોક કરવા નીકળેલા પોલીસ કમિશનર અજય તોમર (Commissioner of Police Ajay Tomar)ને એક વૃદ્ધ મળ્યા હતા. આ વૃદ્ધે તેમના ભત્રીજાની એક બેગ રસ્તામાં પડી ગઇ હોવાનું પોલીસ કમિશનરને જણાવ્યુ હતુ. પોલીસ કમિશનરે વૃદ્ધની આ રજૂઆતને લઇને તરત જ કાર્યવાહી હાથ ધરી. ઉમરા પોલીસ સ્ટેશનના (Umra Police Station) ઇન્સ્પેકટરને કહીને આ બેંગ અંગે તપાસ કરાવી અને આ બેગ વૃદ્ધના ભત્રીજાને પરત કરાવી હતી. બેગ મળી જતા વૃદ્ધ અને તેમના પરિવારજનોએ પોલીસ કમિશનરનો આભાર માન્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા લોકો તેમના સીધા કોન્ટેકમાં આવી શકે માટે જે ડોર ટુ ડોર અભિયાન શરુ કરવામાં આવ્યુ છે. ત્યારે પોલીસ કમિશનર અજય તોમર શનિવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. અઠવા ઓફિસર્સ જિમખાના પાસે તેમને એક વૃદ્ધ વેપારી ઓમપ્રકાશ અગ્રવાલ મળ્યા હતા. જેમણે ‘તમે પોલીસ કમિશનર છો, એવું પુછ્યુ હતું. બાદમાં ‘મારો ભત્રીજો કારમાં એરપોર્ટ જતો હતો ત્યારે બેગ પડી ગઈ છે, મળી શકે છે ?’ એવી રજૂઆત કરી હતી. વૃદ્ધની રજૂઆત સાંભળીને પોલીસ કમિશનર અજય તોમરે ઉમરા પોલીસના ઇન્સ્પેક્ટર રાજપૂતને તપાસ કરવાનું કહ્યું હતું.
આદેશ મળતા જ ઉમરા પોલીસના ઇન્સ્પેક્ટર રાજપૂતે વૃદ્ધનો ભત્રીજો જ્યાંથી નીકળ્યો હતો તે અઠવા લાઇન્સના સીસીટીવી ચેક કરાવ્યા હતા. જેમાં પાસે કારની ડીકીમાંથી બેગ પડતી દેખાઈ હતી. ત્યાર બાદ થોડી જ ક્ષણોમાં એક રિક્ષાવાળો આ બેગ ઊંચકતો દેખાયો હતો. બાદમાં સુરત પોલીસ દ્વારા કંટ્રોલ રુમમાં જે સીસીટીવી લગાવામાં આવ્યા છે. જે સીસીટીવી ચેક કરતા એક રિક્ષાના નંબરના આધારે ખબર પડી કે બેગ ઉઠાવનાર બનારસી પાંડે નામનો રિક્ષા ચાલક હતો.
રિક્ષાચાલકની પુછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે તેમણે આ બેગ SVNIT ટ્રાફિક ચોકી પર આપી હતી. પોલીસે ચોકી પર તપાસ કરતાં આ બેગ ટીઆરબી જવાને સ્વીકારી હોવાની માહિતી મળી હતી. જો કે ટીઆરબી જવાન થોડા દિવસ રજા પર હોવાથી આ બેગ મૂળ માલિક સુધી પહોંચી શકી ન હતી. ટીઆરબી જવાને રજા પરથી પરત આવીને આ બેગ મૂળ માલિકને સોંપી હતી. બેગમાં રોકડ અને બાળકના સ્કૂલને લગતા ડોક્યુમેન્ટ હતા. જોકે આખરે આ બેગ મળી જતાં પરિવારે પોલીસ કમિશનરનો આભાર માન્યો હતો.
વૃદ્ધના ભત્રીજા અને યાર્ન વેપારી રાહુલ ગોયલે જણાવ્યું હતુ કે મારો દીકરો ઊટીમાં અભ્યાસ કરે છે. હું મારી પત્ની અને નાની દીકરી 6 એપ્રિલે સવારે ઊટી જવા કારમાં અઠવાલાઈન્સથી એરપોર્ટ જવા નીકળ્યા હતા. ડીકીમાં ઘણા સામાન હતો. એરપોર્ટ જોયું તો એક બેગ ન હતી. તેમાં થોડા રૂપિયા અને દીકરાના સ્કૂલને લગતા મહત્વાનાં ડોક્યુમેન્ટ્સ અને સામાન હતા. અમારી ફ્લાઈટ હોવાથી નીકળી જવું પડ્યું હતું. મારા કાકા ઓમપ્રકાશભાઈએ પોલીસ કમિશનરને આ વાત કરી હતી. ઉમરા પોલીસમાં અરજી પણ કરી હતી. પોલીસના પ્રયાસોથી અને રિક્ષાવાળાની ઇમાનદારીને કારણે અમારી બેગ પરત મળી હતી.