Surat : 29 સપ્ટેમ્બરે પીએમ મોદી આવી શકે છે સુરત, મેગા શો માટે લોકેશન શોધવાનું શરૂ
વનિતાવિશ્રામ મેદાન ખાતે મેળાનું આયોજન આ દરમિયાન થનાર છે. આ ઉપરાંત અન્ય એક લોકેશનમાં સરસાણા કન્વેનશન સેન્ટરની પણ વિચારણા કરવામાં આવી રહી છે.

આગામી તારીખ 29 સપ્ટેમ્બરના રોજ દેશના વડા પ્રધાન (PM ) નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમ માટે સુરતની (Surat ) મુલાકાતે આવે તેવી શક્યતા છે. સુરતમાં ડ્રીમ સિટી (Dream City ) પ્રોજેક્ટના લોકાર્પણ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના હજારો કરોડોના વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ વડા પ્રધાનના હસ્તે કરાવવામાં આવે તેવી શક્યતા છે. જોકે, તંત્ર દ્વારા આ અંગે હજુ સત્તાવાર રીતે કોઇપણ જાહેરાત કરવામાં આવી રહી નથી, પરંતુ વડા પ્રધાનના કાર્યક્રમમાં અંતિમ ઘડીએ ફેરફાર થઇ શકે છે. આ અંગે આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
લોકેશનની તપાસ શરૂ
આગામી તારીખ 29 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરત પ્રવાસની શક્યતાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તથા રાજકીય સ્તરે જાહેર સભા સ્તરના લોકેશન અંગે શોધખોળ પણ કરવામાં આવી રહી છે. વડા પ્રધાન મોદીની જાહેરસભામાં ભારે જનમેદની એકત્ર થવાની પૂરેપૂરી સંભાવના છે. જેના પગલે લોકેશન નક્કી કરવા બાબતે તંત્ર કે રાજકીય સ્તરે ભારે ચોક્કસતા રાખવામાં આવી રહી છે.
સુરત મહાનગરપાલિકાના સૂત્રો મુજબ, કદાચ ડ્રીમસિટી પ્રોજેક્ટના લોકાર્પણના કાર્યક્રમ માટે વડા પ્રધાન દ્વારા સુરતમાં ચૂંટણી પહેલા ફરી એકવખત મુલાકાત લેવામાં આવે તેવી શક્યતા છે. આગામી તારીખ 29 સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદીની સુરત મુલાકાતની સંભાવનાને પગલે તંત્ર દ્વારા જંગી જાહેરસભાના આયોજન માટેના લોકેશનો પર નજર કરવામાં આવી રહી છે.
લીંબાયત નીલગીરી સર્કલ થઇ શકે છે નક્કી
વનિતાવિશ્રામ મેદાન ખાતે મેળાનું આયોજન આ દરમિયાન થનાર છે. આ ઉપરાંત અન્ય એક લોકેશનમાં સરસાણા કન્વેનશન સેન્ટરની પણ વિચારણા કરવામાં આવી રહી છે. પણ તેની પણ ક્ષમતા પ્રમાણમાં ઓછી છે. ઓછામાં ઓછા 50 હજાર લોકોની બેઠક ક્ષમતા ધરાવતા લોકેશનની જરૂર છે, જેથી આ જગ્યા લીંબાયત નીલગીરી સર્કલ પર જ નક્કી થાય તેવી સંભાવના છે. જોકે તંત્ર દ્વારા હાલ આ મામલે કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ભાજપ નેતાગીરી દ્વારા આ અંગે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.