Surat: કોલસા લિગ્નાઇટના વધેલા ભાવોથી બચવા સુરતની અનેક કાપડ મિલોએ લાકડાનો ગેરકાયદે વપરાશ શરૂ કરી દીધો
આ અંગે જીપીસીબીના અધિકારીઓ કે વન વિભાગ દ્વારા પણ ખાનગી રાહે તપાસ કરે તો ઘણી માહિતી બહાર આવી શકે તેમ છે. આવનારા દિવસોમાં કોઈ કાર્યવાહી પણ કરવામાં આવે તો નવાઈ નહિ.
આંતરરાષ્ટ્રીય (International )બજારમાં કોલસો અને લિગ્નાઇટના ભાવ સતત વધી રહ્યા હોઇ, લિગ્નાઇટ(Lignite ) અને કોલસાનો (Coal ) ઇંધણ તરીકે ઉપયોગ કરીને સુરતમાં ફેબ્રિક પ્રોસેસિંગનું કામ કરી રહેલી અનેક ટેક્ષટાઇલ મિલોના માલિકોએ કોલસાની અવેજીમાં લાકડાનો ઇંધણ તરીકેનો વપરાશ શરૂ કરી દીધો છે. કેટલાક મિલ માલિકોએ બાબતથી અજાણ હોવાનો કહીને એવો પણ ડોળ કરી રહ્યા છે કે મિલમાં લાકડાનો વપરાશ કરવો કોઇ ગુનો નથી. જોકે હકીકતમાં તો વન વિભાગથી લઈને અનેક સરકારી મંજૂરી હોય તો જ જલાઉ લાકડાનો ઉપયોગ ઔઘોગિક હેતુ માટે થઇ શકે છે.
સુરતના સચિન, પાંડેસરા, પલસાણા વિસ્તારમાં આવેલી કેટલીક ડાઇંગ પ્રિન્ટીંગ મિલોની બહાર અને અંદરના ભાગે લાકડાના ઢગલાઓ ખડકાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા પખવાડીયાથી જ લાકડાના ઢગલા જોવા મળી રહ્યા હોવાનું સ્થાનિકો અને કામદારો જણાવી રહ્યા છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે છેલ્લા મહિનાથી કોલસાના ભાવ એટલા વધી ગયા છે કે હવે ડાઈંગ પ્રિન્ટીંગ મિલોને ઈંધણ તરીકે કોલસો કે લિગ્નાઇટનો વપરાશ પરવડી શકે તેમ નથી. પ્રોસેસિંગ ચાર્જમાં વધારો કરાયો હોવા છતાં પણ કોલસાના ભાવ વધી રહ્યા હોઇ હવે કેટલીક ડાઈંગ પ્રિન્ટિંગ મિલોના માલિકોએ કોલસો અને લિગ્નાઇટની અવેજીમાં લાકડા વાપરવાનું શરૂ કરી દીધું છે.
સુરત નજીક વ્યારા, સોનગઢ, વલસાડ, વાંસદા વગેરે ખાતે લાકડાની મિલોમાંથી લાકડાનો જથ્થો મેળવીને હલ મિલ માલિકોએ પોતાની મિલોમાં સ્ટોર કરવા માંડ્યો હોવાનું જણાય રહ્યું છે. જાણકારો કહે છે કે ટેક્ષટાઇલ મિલમાં લાકડાનો ઉપયોગ ગેરકાનૂની છે. જલાઉ પ્રકારના લાકડાનો ઔદ્યોગિક હેતુસર ઉપયોગ કરવો હોય તેના માટે વન વિભાગથી લઈને ઔદ્યોગિક ઓથોરિટીની મંજૂરી પણ લેવી પડે છે.
જોકે પર્યાવરણના ભોગે હવે મિલો કોલસાના ભાવવધારાથી બચવા માટે લાકડાના વપરાશ તરફ વધી છે. આ અંગે જીપીસીબીના અધિકારીઓ કે વન વિભાગ દ્વારા પણ ખાનગી રાહે તપાસ કરે તો ઘણી માહિતી બહાર આવી શકે તેમ છે. આવનારા દિવસોમાં કોઈ કાર્યવાહી પણ કરવામાં આવે તો નવાઈ નહિ.
આ પણ વાંચો :