Surat માં હવે કોર્પોરેશન ઈલેક્ટ્રિક બસ દોડાવવા તરફ આગળ વધી, બીજી 100 બસ લાઈનમાં
સુરતમાં હવે માસ ટ્રાન્સપોર્ટેશન સેવામાં કોર્પોરેશન ઈલેક્ટ્રિક બસ દોડાવવા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હાલ 37 ઈલેક્ટ્રિક બસ દોડી રહી છે અને હજુ બીજી 100 બસો ખરીદવામાં આવનાર છે.
મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના અંતર્ગત સુરત મહાનગરપાલિકા (SMC)ને અત્યાર સુધી 37 ઈલેક્ટ્રિક બસો પ્રાપ્ત થઈ છે. આ તમામ ઈલેક્ટ્રિક બસો હાલ ઓપરેટ કરવામાં આવી રહી છે. જે હેઠળ તમામ 37 બસોના ઓપરેશન પેટે ગુજરાત સરકાર પાસેથી 27.37 કરોડ રૂપિયાની વાયેબીલીટી ગેપ ફંડિગ મંજુર કરવામાં આવ્યા છે. ઈલેક્ટ્રિક બસોના ઓપરેશન માટે સુરત મનપાને જરૂરી વધારાના થતાં ખર્ચની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા સીએમયુબીએસ યોજના હેઠળ વીજીએફ અંતર્ગત ફાળવવામાં આવ્યા છે.
હાલ કાર્યરત 37 ઈલેક્ટ્રિક બસો માટે રાજ્ય સરકારે સુરત મનપા માટે વાર્ષિક 27.37 કરોડનું ફંડિંગ મંજુર કર્યું છે. જેના પ્રથમ હપ્તા પેટે 6.84 કરોડ રૂપિયાની રકમ રાજ્ય સરકારે મહાનગરપાલિકાને ફાળવી દીધી છે. વાર્ષિક ચાર તબક્કામાં આ રકમ મહાનગરપાલિકાને પ્રાપ્ત થશે. નોંધનીય છે કે પર્યાવરણની દષ્ટિએ સુરત મહાનગપાલિકા હવે માસ ટ્રાન્સપોર્ટેશન સેવામાં ઈલેક્ટ્રિક બસો પર વધુ ભાર મૂકી રહી છે.
હાલ 37 જેટલી ઈલેક્ટ્રિક બસ સુરત શહેરમાં ચાલી રહી છે અને બીજી 120 કરતા વધુ બસો સુરતમાં હજી આવનાર છે. એક વાર ફૂલ ચાર્જ કર્યા પછી આ ઈલેક્ટ્રિક બસ સાતથી આઠ ટ્રીપ કરી શકે છે. બસની અંદર પણ ઘણી સુવિધા આપવામાં આવે છે. જેમ કે ડ્રાઈવર સીટ પાસે જીપીએસ સિસ્ટમ મુકવામાં આવી છે. બસ જ્યાં જાય તેનું લાઈવ ટ્રેકિંગ મળી શકે છે. બસની અંદર ફાયર ફાઈટિંગના સાધનો ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. કેટલીક બસોમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે.
મુસાફરોની બેઠક વ્યવસ્થાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. બસ ફુલ્લી એર કન્ડિશનર ધરાવે છે. મહિલા પેસેન્જરોની સીટની બાજુમાં ઈમરજન્સી પેનિક બટન મુકવામાં આવ્યું છે. તેમજ ઈમરજન્સી એન્ટ્રી અને એક્ઝિટની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ સામાન્ય બસ કરતા ઈલેક્ટ્રિક બસમાં સુવિધાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ એક બસની કિંમત 1.25 કરોડની થવા જાય છે.
ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવેલી ઈલેક્ટ્રિક બસની સંખ્યા આજે 37 પર પહોંચી ગઈ છે અને આવનારા દિવસોમાં હજી બીજી 120 જેટલી બસો સુરતમાં આવશે. શહેરમાં જે રીતે પર્યાવરણનું પ્રદુષણ વધી રહ્યું છે, તેને જોતા ઈકો ફ્રેન્ડલી માસ ટ્રાન્સપોર્ટેશન તરફ સુરત મહાનગરપાલિકા આગળ વધી રહી છે.