Surat : રખડતા પશુઓના મુદ્દે હાઈકોર્ટના આદેશનું પાલન કરાશે તેવું કહી સી.આર.પાટીલે મનપાના ભરપેટ વખાણ કર્યા
રાજ્ય સરકાર દ્વારા મહાનગર પાલિકાઓમાં પશુઓના રજીસ્ટ્રેશનના કાયદાનો માલધારી સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને જેને પગલે ખુદ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણયને રદ્દ કરવાની દિશામાં પહેલ કરવામાં આવી છે. જો કે, પશુપાલકો દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવેલી રીટમાં હાઈકોર્ટ દ્વારા સખ્ત ટિપ્પણી કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે, પશુઓને રસ્તા પર છુટા ન મુકવા તેના માલિકોની નૈતિક અને કાયદાકીય જવાબદારી છે.
સુરત(Surat) શહેરમાં એક એનજીઓ દ્વારા આજથી બે દિવસ સુધી વિકાસશીલ ભારત વિષય પર 250 વક્તાઓ દ્વારા સતત 24 કલાક સ્પીચના અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીનિસ બુક ઓફ વર્લ્ડમાં આ કાર્યક્રમને સ્થાન મળે તેવી શક્યતાઓ સાથે આજથી શરૂ થયેલા આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ,(CR Paatil) ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના ઉદ્ઘાટન દરમ્યાન ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલે જણાવ્યું હતું કે, હાઈકોર્ટ દ્વારા પશુઓને રસ્તા પર છુટા ન મુકવા સંદર્ભે જે નિર્દેશ આપવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવશે. જો કે, તેઓએ રસ્તા પર રખડતા ઢોર(Stray Cattle) અને ગૌવંશ મુદ્દે સુરત મહાનગર પાલિકા દ્વારા છેલ્લા છ મહિનામાં કરવામાં આવેલી કામગીરીના ભરપેટ વખાણ કર્યા હતા. આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરત મહાનગર પાલિકા દ્વારા રસ્તા પર છુટ્ટા મુકવામાં આવતાં ગૌવંશ મુદ્દે જે કામગીરી કરવામાં આવી છે તે ખુબ જ આવકારદાયક છે.
ગૌશાળામાં પશુ દીઠ રોજના 30 રૂપિયા ભોજન પેટે આપવામાં આવી રહ્યું છે
તેમણે વધુમાં જણાવ્યું કે હાલ સુરતમાં ભાગ્યે જ રસ્તા પર ગાય કે ઢોર દેખાય છે. આ દિશામાં અન્ય મહાનગર પાલિકાઓ દ્વારા પણ કામગીરી કરવામાં આવી હશે. અલબત્ત, હાલમાં જ હાઈકોર્ટ દ્વારા જે નિર્દેશ કરવામાં આવ્યો છે તેનું પાલન કરવામાં આવશે. રસ્તા પર પ્લાસ્ટિક ખાવા માટે મજબુર ગાય કે ગૌવંશને ભરપેટ ભોજન મળી રહે તે માટે પશુપાલકની ફરજ છે. જેમાં સરકાર દ્વારા હાલમાં પણ પાંજરાપોળ કે ગૌશાળામાં પશુ દીઠ રોજના 30 રૂપિયા ભોજન પેટે આપવામાં આવી રહ્યા છે. આ સિવાય પ્લાસ્ટિક જેવા અખાદ્ય પદાર્થો ખાવાને કારણે ગાય હોય કે અન્ય કોઈપણ પશુ હોય તેને ગંભીર બિમારીથી માંડીને મૃત્યુ થવા સુધીના કિસ્સા નોંધાઈ રહ્યા છે. આ સ્થિતિમાં પશુપાલકોએ આવા કિસ્સાઓ ન બને તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.
આ સિવાય તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આખલાઓનો ત્રાસ સૌથી વધારે જોવા મળી રહ્યો છે. આખલાઓને કારણે ખેડૂતોના ઉભા પાક નાશ પામી રહ્યા છે. જેને પગલે જો કોઈ સંસ્થા કે વ્યક્તિ આખલાઓની સાર – સંભાળ રાખવાની જવાબદારી સ્વીકારવા તૈયાર થાય તો તેને રાજ્ય સરકાર દ્વારા પ્રતિદિન ભોજન સહાય પેટે 40 રૂપિયાની સહાય પણ મળવાપાત્ર હોવાનું જણાવ્યું હતું.
પશુઓને રસ્તા પર છુટા ન મુકવા તેના માલિકોની નૈતિક અને કાયદાકીય જવાબદારી
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા મહાનગર પાલિકાઓમાં પશુઓના રજીસ્ટ્રેશનના કાયદાનો માલધારી સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને જેને પગલે ખુદ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણયને રદ્દ કરવાની દિશામાં પહેલ કરવામાં આવી છે. જો કે, પશુપાલકો દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવેલી રીટમાં હાઈકોર્ટ દ્વારા સખ્ત ટિપ્પણી કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે, પશુઓને રસ્તા પર છુટા ન મુકવા તેના માલિકોની નૈતિક અને કાયદાકીય જવાબદારી છે. આ સિવાય હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, ગૌચરની જોગવાઈ માત્ર ગ્રામ્ય વિસ્તારો માટે છે. શહેરી વિસ્તારોમાં પશુમાલિકોને ગૌચરના નામે જમીનની ફાળવણી કરવામાં આવી શકે નહીં. બીજી તરફ શહેરી વિસ્તારોમાં ઢોરોના ઉપદ્રવથી છાશવારે અકસ્માતની ઘટનાઓ બનતી હોવાનું પણ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : રાજ્યમાં 954 સેન્ટર પર લોકરક્ષક દળની પરીક્ષા લેવાશે, 2.95 લાખ ઉમેદવારને કોલ લેટર ઈશ્યુ કરાયા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો