Surat: ત્રીજી લહેરમાં કોર્પોરેશને ચેકપોસ્ટ પરથી ટેસ્ટિંગ હટાવ્યું, દરરોજના 7થી 8 હજાર કેસ આવવાની સંભાવના કરી વ્યક્ત
સિવિલમાં 1,518 દર્દીઓની સામે 73 દર્દી દાખલ છે, જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 941 દર્દીઓની સામે 27 દર્દીઓ દાખલ છે.
સુરત (Surat)માં છેલ્લા 15 દિવસમાં 15 હજાર કરતા પણ વધારે કોરોના (Corona Virus)ના કેસો નોંધાયા છે. ઉત્તરાયણ (Uttarayan)ના દિવસે તો સુરતે કોરોનાના દર્દીઓની સંખ્યા મામલે અમદાવાદ (Ahmedabad)ને પણ પાછળ છોડી દીધું હતું. 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસની વાત કરીએ તો શુક્રવારે સુરત શહેરમાં 2,986 કેસો નોંધાયા હતા. જેની સામે 930 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. કોરોનાનો રિકવરી રેટ જે એક સમયે 100 ટકા નજીક પહોંચી ગયો હતો તે ઘટીને હવે 86.89 ટકા થઈ ગયો છે.
સિવિલમાં 1,518 દર્દીઓની સામે 73 દર્દી દાખલ છે, જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 941 દર્દીઓની સામે 27 દર્દીઓ દાખલ છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના દર્દીની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં 273 દર્દીઓ નોંધાયા છે.
જોકે ટેસ્ટિંગ વધારવાની જગ્યાએ હવે કોર્પોરેશન દ્વારા શહેરના રેલવે સ્ટેશન અને એરપોર્ટ સિવાયના ચેક પોસ્ટ પર ટેસ્ટિંગ ડોમ બંધ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. જોકે જે રેલવે સ્ટેશન પર પણ ટેસ્ટિંગ માટે મનપાની લાલીયાવાડી જોવા મળી હતી. કારણ કે અહીં ટેસ્ટિંગ કીટ સમયસર ન પહોંચતા અને ટેસ્ટિંગ કીટ ઓછી આવતા સ્ટાફને હાથ પર હાથ ધરીને બેસી રહેવાનો વારો આવે છે.
નાયબ આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે રોજના 22 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં 12 હજાર જેટલા આરટીપીસીઆર ટેસ્ટ અને 10 હજાર રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. કોર્પોરેશને 10 લાખ ટેસ્ટિંગ કીટ પણ ખરીદી છે. મનપા કમિશનરે ચેતવણી આપી છે કે હજી રોજના 7થી 8 હજાર કેસ આવી શકે છે. જો લોકો ભીડમાં માસ્ક હટાવશે તો સંક્રમણ નક્કી જ છે.
આ પણ વાંચો: Maharashtraમાં 15 ખાનગી લેબે કોરોના ટેસ્ટ ન કરતા નોટિસ ફટકરવામાં આવી, લાઈસન્સ રદ કરવાની ચેતવણી