Surat : વેપારીઓના ભારે વિરોધ વચ્ચે સરથાણામાં બીયુ સર્ટિફિકેટ વગર ધમધમતી 15 દુકાન અને બે ગોડાઉનો સીલ
હાઈકોર્ટના સખ્ત આદેશને પગલે મનપાના વહીવટી તંત્ર દ્વારા વેપારીઓના વિરોધને દરકિનાર કરીને 17 મિલ્કતો સીલ કરવામાં આવી હતી. વરાછા ઝોન - બી દ્વારા અગાઉ પણ બીયુની પરવાનગી વગરની ઈમારતો વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવી હતી
શહેરના (Surat ) સરથાણા વિસ્તારમાં બી.યુ. વગર ધમધમતી 15 દુકાનો અને બે ગોડાઉનને સીલ (Seal ) મારી દેવામાં આવતાં વેપારીઓએ ભારે વિરોધ કર્યો હતો. વરાછા ઝોન -બીના સ્ટાફ દ્વારા આ દુકાનો અને ગોડાઉનો વિરૂદ્ધ સિલીંગની કાર્યવાહી કરવામાં આવતાં બીયુ વગરના મિલ્કતદારોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. મહાનગર પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર વરાછા ઝોન – બીમાં સમાવિષ્ટ સરથાણા વિસ્તારમાં માં ભવાની વિલા નામની ઈમારતમાં આવેલ 15 દુકાનો અને બે ગોડાઉનોને સીલ કરવામાં આવી હતી. બી.યુ.ની પરવાનગી વગર ધમધમતી આ દુકાનો અને ગોડાઉનો વિરૂદ્ધ સિલીંગની કામગીરી હાથ ધરવામાં આવતાં વેપારીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો હતો. એક તબક્કે વેપારીઓ દ્વારા સિલીંગની કામગીરી રોકવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.
જોકે, હાઈકોર્ટના સખ્ત આદેશને પગલે મનપાના વહીવટી તંત્ર દ્વારા વેપારીઓના વિરોધને દરકિનાર કરીને 17 મિલ્કતો સીલ કરવામાં આવી હતી. વરાછા ઝોન – બી દ્વારા અગાઉ પણ બીયુની પરવાનગી વગરની ઈમારતો વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે હવે અન્ય મિલ્કતદારોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે મનપાનો સ્ટાફ માં ભવાની વિલામાં 15 દુકાનો અને બે ગોડાઉનો સીલ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે વેપારીઓ દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ ન આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે સિલીંગની કામગીરીનો વિરોધ કર્યો હતો. જો કે, બીજી તરફ વરાછા ઝોન – બીના ઝોનલ ચીફ એન.વી. ઉપાધ્યાય દ્વારા વેપારીઓના આક્ષેપનો પાયાવિહોણો ગણાવતાં જણાવ્યું હતું કે, જે મિલ્કતો સીલ કરવામાં આવી છે તે મિલ્કતદારોને જે – તે સમયે નોટિસો પાઠવી દેવામાં આવી હતી તેમ છતાં સિલીંગની કામગીરી યેન કેન પ્રકારે રોકવા માટે વેપારીઓ દ્વારા આ પ્રકારની હરકત કરવામાં આવી હતી.
નોંધનીય છે કે મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોમાં આ કાર્યવાહી હજી પણ યથાવત રાખવામાં આવનાર છે. અને બી.યુ. સર્ટિફિકેટ વગર ધમધમતી સંસ્થાઓ, દુકાનો અને ગોડાઉનો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી આગામી દિવસોમાં પણ કડકપણે કરવામાં આવશે.
આ પણ વાંચો :