હવે પોસ્ટ વિભાગ કાપડના પાર્સલોની પણ ડિલિવર કરશે, સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં રહેલી તકો જાણવા માટે સરવે શરૂ કર્યો
લગભગ 60 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતો સુરતનો ટેક્સટાઈલ બિઝનેસ અન્ય રાજ્યોમાં પણ મોટા પ્રમાણમાં કાપડ મોકલે છે, સુરતથી દરરોજ સેંકડો ટ્રક પાર્સલ અન્ય રાજ્યોમાં જાય છે, હવે પોસ્ટ વિભાગ પણ આ પાર્સલની ડિલિવરીના ધંધામાં ઝંપલાવે તેવી સંભાવના છે
લગભગ 60 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતો સુરત (Surat) નો ટેક્સટાઈલ બિઝનેસ અન્ય રાજ્યોમાં પણ મોટા પ્રમાણમાં કાપડ મોકલે છે. સુરતથી દરરોજ સેંકડો ટ્રક પાર્સલ અન્ય રાજ્યોમાં જાય છે. અહીં કપડાંની હેરફેરનો ધંધો ઘણો મોટો છે. હવે પોસ્ટ વિભાગ પણ આ પાર્સલની ડિલિવરીના ધંધામાં ઝંપલાવે તેવી સંભાવના છે.
બે વર્ષ પહેલા સુધી, સ્થાનિક ટ્રાન્સપોર્ટરો ટ્રક દ્વારા કપડાંના પાર્સલ લઈ જતા હતા. હવે ટપાલ વિભાગ પણ સુરતથી કપડાંના પાર્સલ મોકલવાનું આયોજન કરી રહ્યું છે. જેથી સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને પોતાના કાપડની ડિલિવરી માટે વધુ સુવિધા ઉપલબ્ધ થશે. આ માટે પોસ્ટ વિભાગ (Post department) એ પ્રયાસો શરૂ કર્યા છે.
સાથે જ રેલવેની પણ કાપડના આ બજાર પર નજર છે. બે મહિના પહેલા રેલવે (Railway) એ કેટલાક રાજ્યો માટે સ્પેશિયલ પાર્સલ ટ્રેનો પણ શરૂ કરી હતી. રેલ્વે પણ મોટા પાયે કપડાના પાર્સલ મોકલવાની યોજના બનાવી રહી છે.
સામાન્ય દિવસોમાં સુરત ટેક્સટાઇલ માર્કેટ (Surat textile market) માથી 450 ટ્રક પાર્સલ અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે, હાલમાં 150 ટ્રક સ્થાનિક ટ્રાન્સપોર્ટર પાર્સલ કરવા જઈ રહ્યા છે, વેપારીઓની પ્રથમ પસંદગી, દુકાન પર પાર્સલ પહોંચાડવાની છે જેની સુવિધા ઉપલબ્ધ છે.
કાપડના વેપારીઓ માટે સ્થાનિક ટ્રાન્સપોર્ટર પ્રથમ પસંદગી છે. વેપારીઓનું કહેવું છે કે સ્થાનિક ટ્રાન્સપોર્ટરો (Transporters) અન્ય રાજ્યોના વેપારીઓને તેમની દુકાને પાર્સલ પહોંચાડવાની વ્યવસ્થા કરે છે. આટલું જ નહીં, માલ મંગાવનાર વેપારીની દુકાનમાં જગ્યા ન હોય તો તેઓ પાર્સલને થોડા દિવસો માટે તેમના ગોડાઉનમાં રાખવાની પરવાનગી પણ આપે છે. તેમને આ છૂટ અન્યત્ર મળતી નથી.
સુરતની કાપડ બજારમાંથી દરરોજ કેટલાં પાર્સલ અન્ય રાજ્યોમાં જાય છે, સુરતમાં કઇ મોટી માર્કેટ છે અને કયા માર્કેટમાંથી કેટલા ટ્રાન્સ પાર્સલ નીકળે છે. આ તમામ બાબતે પોસ્ટ વિભાગે સર્વે શરૂ કર્યો છે. જો વિભાગને સરવેમાં સારો બિઝનેસ જણાશે તો તે આ દિશામાં આગળ વધશે.
પોસ્ટલ વિભાગ ટૂંક સમયમાં કાપડના વેપારીઓ અને વેપારી સંગઠનના આગેવાનો સાથે બેઠક કરશે. ટપાલ વિભાગનું નેટવર્ક ભારતના ખૂણે ખૂણે છે. આ નેટવર્કનો ઉપયોગ હવે વ્યાપારી હેતુઓ માટે પણ કરવામાં આવશે.
તહેવારો અને લગ્નસરાના દિવસોમાં સુરતની કાપડ બજારમાંથી 450 ટ્રક કપડાના પાર્સલ અન્ય રાજ્યોમાં જાય છે. જોકે, કોરોના અને મંદીના કારણે માત્ર 150 ટ્રક જ નીકળી રહી છે.