હાલમાં આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ કે ઓનલાઇન છેતરપિંડી કેસ સામે આવતા હોય છે તેની પાછળ મહત્ત્વનું પરિબળ હોય છે કોલ સેન્ટર. કારણ કે અલગ અલગ રાજ્યની અંદર કોલસેન્ટર ઉભા કરી અને લોકોને ફોન મારફતે કોઈને કોઈ સ્કીમ આપી છેતરપિંડી કરતા હોય છે. સુરત પાંડેસરા પોલીસે (Surat Police) માહિતીના આધારે એક કોલ સેન્ટરમાં દરોડા પાડતા મોટા પ્રમાણમાં મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સુરતના (Surat) પાંડેસરા ભેસ્તાનમાં આવેલ સાંઇ સ્ક્વેર કોમર્શીયલ બિલ્ડીંગમાં કેલીજોબ સર્વીસના નામે ચાલતા કોલ સેન્ટરમાંથી ફોન કરી ડેટા એન્ટ્રીનું કામ આપી અને તે ટાસ્ક આપ્યા બાદ કામ પૂરું નહીં થતા યુઝર ચાર્જના નામે રૂ.5500 પડાવી વીતેલા છ મહિનામાં કુલ રૂ. 9 થી 10 લાખ પડાવનાર સંચાલક યુવાન અને યુવતી તેમજ ત્યાં નોકરી કરતા બે તરુણ, બે યુવતી સહિત સાત લોકોને પાંડેસરા પોલીસે ઝડપી પાડી 25 મોબાઈલ ફોન, 3 લેપટોપ, 28 સીમકાર્ડ, 19 ડેબિટ-ક્રેડિટ કાર્ડ સહિત કુલ રૂ.2.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ દ્વારા દરોડા પાડી મુખ્ય સંચાલક ભાવિક સતીષભાઇ પંચાલ અને આરતી તનુસીંગભાઇ ચૌધરી તેમજ ત્યાં નોકરી કરતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે અને પૂછપરછ કરવામાં આવતા ઓનલાઇન ડેટાબેઝ ક્વીકર તથા કલીક ઇન્ડીયા નામની વેબસાઈટ પરથી મોબાઇલ નંબરોના ડેટા બેઝ ખરીદી તે મોબાઇલ નંબર ધારકોને ડેટા એન્ટ્રીનું કામ અપાવવા માટે કોલ તથા ટેકસ મેસેજ કરતા હતા.
ઉપરાંત જે વ્યક્તિ કામ કરવા તૈયાર થાય તેને 600 ફોર્મ 90% એક્યુરેસી સાથે પાંચ થી છ દિવસમાં સબમીટ કરવાના રૂ.15 હજાર આપવાની વાત કરી. જો ફોર્મ પાંચ થી છ દિવસમાં 90% એક્યુરેસી સાથે નહીં થાય તો કંપનીનો પોર્ટલ યુઝ કરવાનો ચાર્જ રૂ.5500 ભરવો પડશે તેમ પણ કહેતા હતા. હાલમાં તો પાંડેસરા પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ કરવામાં આવે છે અને આવનારા દિવસમાં કોઈ મોટી વાત બહાર આવે તો નવાઈ નહિ. આ બાબતે સુરત પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ તપાસ દરમિયાન ઝડપાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત પોલીસ છેતરપિંડીના કેસમાં વધુ સતર્ક બની છે.