
સુરતમાંથી ફરી એકવાર હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું છે. ઓલપાડ તાલુકાના જોથાણ ગામમાં આવેલા અક્ષય રિસોર્ટમાં પોલીસે દરોડા પાડી વિદેશી યુવતીઓ સાથે ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 8 થાઈલેન્ડની યુવતીઓને મુક્ત કરાવી છે અને કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ કરવામાં આવી હતી કે રિસોર્ટમાં દેહવિક્રયનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. તપાસમાં સામે આવ્યું કે રિસોર્ટના ઉપરના માળે રૂમો ભાડે આપવામાં આવતા હતા અને ગ્રાહકો પાસેથી પ્રતિ વ્યક્તિ 2 હજારથી 8 હજાર રૂપિયા સુધીની વસૂલી કરવામાં આવતી હતી. આ ગંભીર મામલે LCB, SOG અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન રિસોર્ટમાંથી 8 થાઈલેન્ડની યુવતીઓ મળી આવી હતી. પોલીસે રિસોર્ટના માલિક અક્ષય ભંડારી, સંચાલક રવિસિંહ રાજપુત અને અક્ષય ઉર્ફે ગોલ્ડી સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ વિદેશી યુવતીઓને અલગ-અલગ વિઝા હેઠળ ભારત લાવતા હતા.
પછી આ યુવતીઓને સુરત શહેરમાંથી દરરોજ ઓલપાડના રિસોર્ટ પર મોકલી દેહવિક્રય માટે મજબૂર કરવામાં આવતી હતી. હાલ પોલીસ મુખ્ય સૂત્રધાર સુનીલ યાદવ અને રાકેશ વસાવાની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કરી રહી છે. આ હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટના સમગ્ર નેટવર્ક અંગે પોલીસ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
ગાંધીનગરમાં દુષ્કર્મ કેસમાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીને વાગી ગોળી