Surat: દરિયાકાંઠે કરંટ સાથે ઉંચા મોજા ઉછળ્યા, સુરત જિલ્લામાં તંત્રની કેવી છે તૈયારી, જાણો
વાવાઝોડાએ દરિયા કિનારે વસતા લોકો માટે મુશ્કેલી ઊભી કરી છે, ત્યારે હવે સુરતના તમામ બીચ બંધ કરવામાં આવ્યા છે. 24 કલાક કંટ્રોલ રૂમ શરુ કરાયો છે. આ સાથે વિવિધ તકેદારીના પગલાં પણ તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે.
Surat Cyclone Biparjoy: બિપોરજોય વાવાઝોડાને લઈને સુરત જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર છે. તકેદારીના ભાગરૂપે બીચ પણ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ સુંવાલી દરિયામાં કરંટ સાથે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. આ ઉપરાંત સુરત જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ પણ શરુ કરી દેવામાં આવ્યો છે તેમજ સુરત જિલ્લાના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરે આદેશ કર્યો છે.
સુંવાલી બીચ પર કરંટ સાથે ઉંચા મોજા ઉછળી રહ્યા છે
આજે સુંવાલી બીચ પર કરંટ સાથે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. સંભવિત વાવાઝોડા સંદર્ભે વાવાઝોડું શાંત ન થાય ત્યાં સુધીના સમયગાળા દરમિયાન સુરત જિલ્લામાં સાવચેતી અને સલામતીના પગલાં સુનિશ્ચિત કરવા આવશ્યક છે. સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ ઈન્ચાર્જ જિલ્લા કલેકટર બી.કે. વસાવાએ સુરત જિલ્લાના તમામ અધિકારી-કર્મચારીઓને પૂર્વ મંજુરી સિવાય હેડ કવાર્ટર ન છોડવાનો આદેશ કર્યો છે.
સુરત જિલ્લામાં કેવી છે તૈયારી
વાવાઝોડાએ દરિયાકિનારે વસતા લોકો માટે મુશ્કેલી ઊભી કરી છે, ત્યારે હવે સુરતના તમામ બીચ બંધ કરવામાં આવ્યા છે. 24 કલાક કંટ્રોલ રૂમ શરુ કરાયો છે. મનપા દ્વારા જોખમી બેનર અને હોર્ડિંગસ ઉતારી લેવામાં આવ્યા છે. વાવાઝોડાની સ્થિતિને લઈને સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ તંત્ર પણ એલર્ટ બન્યું છે. 15 મી જુન સુધી રો-રો ફેરી અને દરિયાકાંઠો સહેલાણીઓ માટે બંધ કરાયો છે. સાઉથ વેસ્ટ ઝોન દ્વારા તકેદારીના ભાગરૂપે હાઈ માસ્ટ લાઈટ ઉતારી લેવામાં આવી છે. ફાયર વિભાગ પણ સ્ટેન્ડ બાય છે.
કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા તંત્ર અલર્ટ મોડ પર છે – હર્ષ સંઘવી
સુરત જીલ્લામાં હવામાનની સ્થિતિનો તાગ મેળવી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે જ્યારથી વાવાઝોડાની પરિસ્થિતિની વાત આવી ત્યારથી લઈને અત્યાર સુધી અનેક બેઠક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરી છે અને તેઓએ તમામ વિભાગોને નિર્દેશ આપી દીધા છે. છેલ્લા બે દિવસથી તમામ વિભાગોએ મળીને જે વિસ્તારમાં અસર થઈ શકે છે તે એરિયામાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. હું તમામ નાગરીકોને વિનંતી કરું છું કે સરકારી વિભાગ દ્વારા જે નિર્દેશ આપવામાં આવે છે તેમાં સહકાર આપે. આપણે સાથે મળીને આ વાવઝોડામાંથી આપણા લોકોને બચાવવામાં સફળતા પ્રાપ્ત કરીશું.